કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા દેશભરના કરોડો પીએફ (PF) ખાતાધારકોની સુવિધા માટે ‘ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન’ (Joint Declaration) ની અત્યંત મહત્ત્વપૂર્ણ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી ડિજિટલ સુવિધાની મદદથી હવે કર્મચારીઓ ઘરે બેઠા જ પોતાના પીએફ ખાતામાં નોંધાયેલી ખોટી વિગતો સુધારવા માટે ઓનલાઈન અરજી કરી શકશે, જેના કારણે હવે ઈપીએફઓ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. અવારનવાર કર્મચારીના પીએફ ખાતામાં નામ, પિતાનું નામ, જન્મતારીખ અથવા નોકરી શરૂ અને છોડવાની તારીખ જેવી મહત્વની વિગતોમાં ભૂલ રહી જતી હોય છે. શરૂઆતમાં આ ભૂલ સામાન્ય લાગતી હોય છે, પરંતુ ભવિષ્યમાં પીએફ ક્લેમ મેળવતી વખતે, જૂના ખાતામાંથી નવા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે તેમજ પેન્શનનો લાભ મેળવવામાં મોટી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.
ઈપીએફઓના ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન પોર્ટલ મારફતે સભ્યો પોતાના ખાતા સાથે જોડાયેલી વિવિધ વિગતોમાં સુધારા માટે સરળતાથી અરજી કરી શકે છે. આ સુવિધા હેઠળ કર્મચારીનું નામ, જન્મતારીખ, પિતા અથવા પતિનું નામ, નોકરી શરૂ કરવાની તારીખ, નોકરી છોડવાની તારીખ તેમજ રોજગાર સંબંધિત અન્ય જરૂરી વિગતોમાં સુધારો કરાવી શકાય છે.
પીએફ ખાતાની વિગતો ઓનલાઈન સુધારવા માટે ખાતાધારકોએ નીચે મુજબના પાંચ સરળ સ્ટેપ અનુસરવાના રહેશે:
-
EPFO પોર્ટલ પર લોગિન કરો: સૌથી પહેલાં ઈપીએફઓના સત્તાવાર મેમ્બર સેવા પોર્ટલ પર જઈને તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.
-
Joint Declaration વિકલ્પ પસંદ કરો: લોગિન કર્યા બાદ ઉપર આપેલા મેનૂમાં ‘જોઈન્ટ ડિક્લેરેશન’ ના વિકલ્પ પર ક્લિક કરો.
-
ખોટી વિગતો પસંદ કરો: સ્ક્રીન પર તમારા પીએફ ખાતાની હાલની વિગતો દેખાશે, જેમાંથી નામ, જન્મતારીખ અથવા નોકરીની તારીખ સહિત જે વિગતોમાં ભૂલ હોય તેને પસંદ કરો.
-
સાચી વિગતો દાખલ કરી દસ્તાવેજ અપલોડ કરો: ખોટી વિગતોના સ્થાને સાચી માહિતી દાખલ કરો અને પુરાવા તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા પાસપોર્ટ જેવા માન્ય દસ્તાવેજોની નકલ અપલોડ કરો.
-
વિગતો તપાસીને અરજી સબમિટ કરો: દાખલ કરેલી માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની ફરીથી ચકાસણી કરીને સબમિટ બટન પર ક્લિક કરો. અરજી સબમિટ થયા બાદ તે ચકાસણી માટે સંબંધિત નોકરીદાતા (Employer) અને ઈપીએફઓ ઓફિસમાં મોકલવામાં આવશે, અને વેરિફિકેશન પૂર્ણ થતાં જ ખાતામાં સુધારો થઈ જશે.
આ ઉપરાંત ઈપીએફઓ દ્વારા ખાતાધારકોની સુવિધા માટે સત્તાવાર વોટ્સએપ (WhatsApp) સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ સેવા દ્વારા સભ્યો પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલીને પીએફ ખાતાનું બેલેન્સ, પાસબુકની વિગતો અને છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શનની માહિતી આંગળીના ટેરવે મેળવી શકે છે. ઈપીએફઓએ તમામ ખાતાધારકોને પોતાના પીએફ ખાતાની વિગતો સમયાંતરે સરકારી દસ્તાવેજો સાથે ચકાસી લેવાની અને કોઈ વિસંગતતા જણાય તો તાત્કાલિક ઓનલાઈન સુધારો કરાવી લેવાની સલાહ આપી છે.
