Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ હિટ એન્ડ રન: રેન્જ રોવરથી યુવકને ઉડાવી દેનારા ભાજપ MLAના ભત્રીજાને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન

અમદાવાદ હિટ એન્ડ રન: રેન્જ રોવરથી યુવકને ઉડાવી દેનારા ભાજપ MLAના ભત્રીજાને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન

અમદાવાદ શહેરના શીલજ સર્કલ નજીક ૧૧ નવેમ્બરની વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર હિટ એન્ડ રન અકસ્માતમાં નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂરપાટ ઝડપે ધસી આવેલી એક લક્ઝુરિયસ રેન્જ રોવર કારે રેપિડો બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં બાઈક પાછળ બેઠેલા હર્ષદ પુરબિયા નામના યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. આ ગંભીર પ્રકરણમાં બોપલ પોલીસે તપાસ હાથ ધરીને અકસ્માત સર્જનાર બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહની કાર સાથે ધરપકડ કરી હતી, પરંતુ ધરપકડ બાદ તુરંત જ તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન મુક્ત કરી દેવામાં આવતાં સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડની નોકરીની સાથે પાર્ટ-ટાઈમ રેપિડો બાઈક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ૫૦ વર્ષીય પ્રદીપ ડરવાલે બોપલ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ૧૧ નવેમ્બરના રોજ વહેલી સવારે તેઓ રાઈડ માટે નીકળ્યા હતા અને ઘાટલોડિયાની પ્રથમ રાઈડ પૂર્ણ કર્યા બાદ શીલજ સર્કલ તરફની બીજી રાઈડ માટે હર્ષદ પુરબિયા નામના પેસેન્જરને બાઈક પર બેસાડ્યા હતા. જ્યારે તેઓ શીલજ સર્કલથી થોડે આગળ પહોંચ્યા ત્યારે પાછળથી બેફામ ગતિએ આવી રહેલી રેન્જ રોવર કારે તેમની બાઈકને જોરદાર અડફેટે લીધી હતી.

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક ચાલક પ્રદીપભાઈ અને પેસેન્જર હર્ષદભાઈ બંને હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં પ્રદીપભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે હર્ષદભાઈને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને રેન્જ રોવરનો ચાલક ઊભા રહેવાને બદલે કાર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે સ્થળ પર હાજર એક જાગૃત નાગરિકે કારનો નંબર નોંધીને પ્રદીપભાઈને આપતા બોપલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

ફરિયાદના આધારે બોપલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને આરટીઓ (RTO) ડેટાની મદદથી તપાસ તેજ કરતાં આ લક્ઝુરિયસ કાર બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી રાઘવેન્દ્ર કુશવાહની કાર સહિત ધરપકડ કરી હતી, પરંતુ કાયદાકીય જોગવાઈઓ મુજબ જામીનપાત્ર ગુનો હોવાનું જણાવી તેને પોલીસ સ્ટેશનથી જ જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. એક તરફ એક પરિવારે પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો છે ત્યારે બીજી તરફ રાજકીય વગ ધરાવતા આરોપીને તુરંત સ્ટેશન જામીન મળી જતાં ન્યાય પ્રક્રિયા અને કાયદાના અમલને લઈને નાગરિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

ખેડૂતો માટે ખુશખબર: રવિ પાક માટે 30 એપ્રિલ સુધી મળશે કેનાલનું પાણી, જાણો સરકારનો મહત્વનો નિર્ણય

praxpatel

અમદાવાદ/ ૪૮ વર્ષીય મહિલાએ સાતમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું

praxpatel

નીતિ આયોગનો રિપોર્ટ: દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી શાળાઓ બંધ

praxpatel