Gold Jewellery : દિવાળી અને લગ્નસરાની મોસમમાં સોના, ચાંદી કે હીરાના દાગીના ખરીદતી વખતે મોટાભાગના ગ્રાહકો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ગણતરી બાબતે ગૂંચવણમાં મુકાતા હોય છે. ઘણા જ્વેલર્સ ગ્રાહકો પાસેથી સોનાની મૂળ કિંમત પર ૩% અને દાગીના બનાવવાના ખર્ચ એટલે કે મેકિંગ ચાર્જ (Making Charges) પર ૫% જીએસટી વસૂલતા હોવાની ફરિયાદો સામે આવે છે.
જોકે, સરકારના સત્તાવાર જીએસટી નિયમ મુજબ, શોરૂમ કે દુકાનમાંથી તૈયાર દાગીના (Ready-made Jewellery) ખરીદતી વખતે બિલની સમગ્ર કિંમત (ટ્રાન્ઝેક્શન વેલ્યૂ) પર માત્ર ૩% GST જ લાગુ પડે છે. મેકિંગ ચાર્જ બિલમાં અલગ દર્શાવ્યો હોય તો પણ ગ્રાહક પર ૫% ટેક્સ લગાવી શકાય નહીં.
જ્વેલરી પર GST ની ગણતરી એક નજરે
ગણતરી સમજો: ₹૧.૪૦ લાખની ચેઇન પર કેટલો GST થાય?
ધારો કે તમે શોરૂમમાંથી ૧૦ ગ્રામ સોનાની ચેઇન ખરીદો છો:
-
સોનાની મૂળ કિંમત: ₹૧,૨૮,૦૦૦
-
મેકિંગ ચાર્જ: ₹૧૨,૦૦૦
-
કુલ બિલની રકમ: ₹૧,૪૦,૦૦૦
સાચો નિયમ (કુલ રકમ પર ૩% GST):
-
સમગ્ર ₹૧,૪૦,૦૦૦ પર ૩% GST = ₹૪,૨૦૦ (ગ્રાહકે ચૂકવવાપાત્ર રકમ)
જો જ્વેલર અલગ-અલગ ટેક્સ ગણે તો ગ્રાહકને નુકસાન:
-
સોના પર ૩% GST (₹૧,૨૮,૦૦૦ પર): ₹૩,૮૪૦
-
મેકિંગ ચાર્જ પર ૫% GST (₹૧૨,૦૦૦ પર): ₹૬૦૦
-
ખોટી રીતે વસૂલાતો કુલ ટેક્સ: ₹૪,૪૪૦
-
આમ, ગ્રાહકે બિનજરૂરી રીતે ₹૨૪૦ વધુ ચૂકવવા પડે છે. મોંઘા દાગીનામાં આ તફાવત હજારો રૂપિયા સુધી પહોંચી શકે છે.
મેકિંગ ચાર્જ પર ૫% GST નો નિયમ ક્યાં લાગુ પડે છે?
મેકિંગ ચાર્જ પર ૫% ટેક્સનો નિયમ એ જ્વેલરી મેકિંગના ‘જોબવર્ક’ સાથે સંકળાયેલો બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) વ્યવહાર છે:
-
જ્યારે કોઈ જ્વેલર પોતાનું કાચું સોનું કારીગરને આપે છે અને કારીગર માત્ર મજૂરી લઈને દાગીના ઘડી આપે છે, ત્યારે કારીગરની સર્વિસ પર ૫% GST લાગે છે.
-
જો કારીગર જીએસટીમાં નોંધાયેલો હોય તો વેપારી આ ૫% ટેક્સ ચૂકવીને તેનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લે છે.
-
જો કારીગર અનરજિસ્ટર્ડ હોય તો વેપારી રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ ટેક્સ ભરે છે.
-
આ વ્યવહાર સંપૂર્ણપણે વેપારી અને કારીગર વચ્ચેનો છે. તેથી વેપારી આ ૫% ટેક્સ સીધો તૈયાર દાગીના ખરીદતા ગ્રાહકના માથે થોપી શકે નહીં.
જ્વેલરી ખરીદતી વખતે બિલમાં આ બાબતો ખાસ ચકાસો
-
તૈયાર દાગીના ખરીદો ત્યારે: બિલમાં સોનાનો ભાવ, વજન અને મેકિંગ ચાર્જ અલગ ભલે દર્શાવ્યો હોય, પરંતુ અંતિમ ટેક્સની ગણતરી ગ્રાન્ડ ટોટલ પર ૩% ના દરે જ થયેલી હોવી જોઈએ.
-
પોતાનું સોનું આપીને દાગીના ઘડાવો ત્યારે: જો તમે ઘરમાંથી જૂનું સોનું આપીને માત્ર મજૂરી ચૂકવી નવો દાગીનો બનાવો છો અથવા રિપેરિંગ કરાવો છો, તો તે સેવા ગણાય છે અને ત્યાં કારીગરી/સર્વિસ પર અલગ ટેક્સ સ્લેબ લાગુ થઈ શકે છે.
-
હંમેશા હોલમાર્ક (HUID) યુક્ત દાગીના જ ખરીદવા અને પાકું જીએસટી બિલ અચૂક મેળવવું, જેમાં ટેક્સની ટકાવારી સ્પષ્ટ દર્શાવેલી હોવી જોઈએ.
