Ahmedabad : એરપોર્ટ પર સ્પાઇસજેટ (SpiceJet) એરલાઇન્સની કથિત બેદરકારીને કારણે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી નવી દિલ્હી જતી ફ્લાઇટને એક-બે નહીં પરંતુ ૧૦ વખત વિલંબિત કર્યા બાદ મોડી રાત્રે અચાનક રદ કરી દેવામાં આવતાં ૧૦૦થી વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ગત ૧૮ નવેમ્બરના રોજ રાત્રે ૧૦:૨૦ વાગ્યે ઉપડનારી આ ફ્લાઇટ માટે મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોતા રહ્યા હતા, પરંતુ અંતે રાત્રે ૧૨ વાગ્યે ફ્લાઇટ રદ કરવાની જાહેરાત કરાતા મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો.
હોટેલ, વૈકલ્પિક ફ્લાઇટ કે પીવાના પાણીની સુવિધા ન મળ્યાનો આક્ષેપ
ફ્લાઇટ રદ થતાં અટવાયેલા મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે એરલાઇન્સના કર્મચારીઓ છેલ્લી ઘડી સુધી ફ્લાઇટ ઉપડશે તેવો ભરોસો આપતા રહ્યા હતા, જેના કારણે મુસાફરો અન્ય કોઈ વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરી શક્યા નહોતા. ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી આવેલા મહિલા મુસાફરો અને પરિવારોની હાલત અત્યંત કફોડી બની હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ રદ થયા બાદ એરલાઇન્સ દ્વારા રહેવા માટે હોટેલ, વૈકલ્પિક ફ્લાઇટ કે કલાકો સુધી અટવાયેલા લોકો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં આવી નહોતી.
રિફંડની વાત પર કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી
આ પરિસ્થિતિ વચ્ચે સ્પાઇસજેટના કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કર્મચારીઓએ મુસાફરોને રિફંડ આપવાની વાત કરતાં એક મુસાફરે રોષ ઠાલવતા કહ્યું હતું કે, “રિફંડ નથી જોઈતું, તમને અને તમારી કંપનીને ડોનેટ કરું છું.” અન્ય મુસાફરોએ પણ અગાઉ રિફંડ મેળવવામાં લાંબો સમય લાગ્યો હોવાની ફરિયાદ કરી હતી તેમજ મુસાફરોની મુશ્કેલી વચ્ચે કર્મચારીઓ હસતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અંતે વૈકલ્પિક મુસાફરી અને રહેવાની વ્યવસ્થાની માંગ સાથે મુસાફરોએ એરપોર્ટ પર વિરોધ નોંધાવ્યો હતો.
