Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

અંબાજી સરકારી હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે નિયમોને નેવે મૂક્યા, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો સિઝેરિયન ડિલિવરીનો વીડિયો; ફટકારાઈ નોટિસ

અંબાજી સરકારી હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે નિયમોને નેવે મૂક્યા, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો સિઝેરિયન ડિલિવરીનો વીડિયો; ફટકારાઈ નોટિસ

અંબાજી: દર્દીઓ જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં જાય છે, ત્યારે તેઓ ડોક્ટર પર સંપૂર્ણ વિશ્વાસ મૂકતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અંબાજી સ્થિત સબ-ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલમાંથી તબીબી નીતિમત્તા અને ગોપનીયતાના નિયમોના ઉલ્લંઘનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અંબાજી સરકારી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. કિંજલ પરીખ દ્વારા ઓપરેશન થિયેટર (OT) ની અંદર સિઝેરિયન ડિલિવરી દરમિયાનનો વીડિયો અને તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવતાં ભારે વિવાદ સર્જાયો છે.

દુર્લભ ‘એન કોલ’ (En Caul) જન્મ ગણાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો વીડિયો

મળતી વિગતો અનુસાર, ગત ૧૯ નવેમ્બરના રોજ અંબાજી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક પ્રસૂતાની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાનની સમગ્ર પ્રક્રિયાનો વીડિયો રેકોર્ડ કરીને ડો. કિંજલ પરીખે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

આ વીડિયો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “‘એન કોલ’ જન્મ – એક દુર્લભ ઘટના, જેમાં બાળક સંપૂર્ણપણે અખંડ અને પ્રવાહીથી ભરેલી એમ્નિઓટિક કોથળીની અંદર વીંટળાયેલું જન્મે છે (૮૦,૦૦૦ જન્મમાં ૧ કિસ્સો આવો બને છે).” જોકે, ઓપરેશન થિયેટર જેવી અત્યંત સંવેદનશીલ જગ્યાએથી દર્દીની ડિલિવરીનો વીડિયો જાહેરમાં મૂકવામાં આવતાં સોશિયલ મીડિયા પર તબીબની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા નોટિસ અને મેડિકલ કાઉન્સિલના નિયમોનો ભંગ

આ સમગ્ર વિવાદ બાદ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ઓપરેશન થિયેટરમાં મોબાઈલ ફોન લઈ જવા પર સખત પ્રતિબંધ છે. ડોક્ટર દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને કારણે દર્દી અને હોસ્પિટલની ગરિમા તેમજ ગોપનીયતાને ગંભીર અસર પહોંચી છે.

હોસ્પિટલ પ્રશાસન દ્વારા જવાબદાર તબીબ ડો. કિંજલ પરીખને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની કડક કાર્યવાહી ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (IMC) ૨૦૦૨ના નિયમો અનુસાર કોઈ પણ ડોક્ટર દર્દીની ગોપનીય માહિતી જાહેર કરી શકે નહીં અને દર્દીની લેખિત મંજૂરી વિના તેની ઓળખ છતી કરતી તસવીરો કે વીડિયો શેર કરી શકે નહીં. આ કિસ્સામાં મેડિકલ કાઉન્સિલના નિયમોનો સ્પષ્ટ ભંગ થયો હોવાથી હવે ઉચ્ચ તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

સંબંધિત પોસ્ટ્સ

કર્ણાટક કોંગ્રેસમાં સત્તાની ખેંચતાણ: દિલ્હીમાં રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા વચ્ચે ૩૫ મિનિટ સુધી બંધ બારણે બેઠક, ડીકે શિવકુમાર રાહ જોતા રહ્યા

praxpatel

ચાંદી ઓલ ટાઈમ હાઈના બીજા દિવસે ₹784 સસ્તી થઈ: સોનાની કિંમતમાં 80 રૂપિયાનો ઘટાડો, સોનું ₹1,32,394/10g થયું

Gujarat Plus