અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાસુખનગર જૈન દેરાસરમાંથી ભગવાન વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિનું આશરે ૯ કિલો વજનનું ચાંદીનું ખોખું ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ ચાંદીના ખોખાની કિંમત અંદાજે ₹૪ લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. દેરાસરના પ્રમુખે પૂજારી સામે શંકા વ્યક્ત કરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં દેરાસરનો પૂજારી જ ચોર નીકળ્યો હતો.
પર્યુષણ પર્વમાં પહેરાવાયું હતું ખોખું, નવેમ્બરમાં ચોરીની જાણ થઈ
કૃષ્ણનગરમાં રહેતા ૬૩ વર્ષીય કનુભાઈ શાહ છેલ્લા નવ વર્ષથી મહાસુખનગર જૈન દેરાસરમાં પ્રમુખ તરીકે વહીવટી કામગીરી અને દેખરેખ રાખે છે. દેરાસરમાં પૂજા-પાઠ, ભગવાનને આભૂષણ અને વસ્ત્રો પહેરાવવા તેમજ સાફ-સફાઈની કામગીરી માટે ટ્રસ્ટ દ્વારા આઠ વર્ષ પહેલાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ડગલા ગામના અશ્વિન સોલંકીને પૂજારી તરીકે રાખવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, જૈન સમાજના પર્યુષણ મહોત્સવ દરમિયાન ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ભગવાન વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિ પર આશરે ૯ કિલો વજનનું ચાંદીનું ખોખું પહેરાવવામાં આવ્યું હતું, જે આશરે ૧૫ વર્ષ પહેલાં ₹૪ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. જોકે, ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ કનુભાઈ શાહ દેરાસરમાં ગયા ત્યારે મૂર્તિ પર ચાંદીનું ખોખું જોવા મળ્યું નહોતું.
પૂજારી નોકરી છોડીને જતો રહેતાં શંકા ઘેરી બની
આ અંગે દેરાસરના અન્ય કારોબારી સભ્યોને પૂછતાં જાણવા મળ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભગવાનની મૂર્તિ પર ચાંદીનું ખોખું પહેરાવવામાં આવતું નહોતું. બીજી તરફ, પૂજારી અશ્વિન સોલંકી ૨ નવેમ્બરથી નોકરી છોડીને જતા રહ્યા હતા. આ સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રમુખ કનુભાઈ શાહે પૂજારી સામે શંકા વ્યક્ત કરી કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વતનમાં મકાનનું દેવું ચૂકવવા કરી ચોરી: ૬.૨૨૪ કિલો ચાંદી કબજે
કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરીને આરોપી પૂજારી અશ્વિન સોલંકીની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે ચોરીની કબૂલાત કરી લીધી હતી. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેના વતનમાં મકાનનું બાંધકામ ચાલતું હતું અને તે માટે તેણે લોકો પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. આ દેવું ચૂકતે કરવા માટે તેણે દેરાસરમાંથી ચાંદીના ખોખાની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી ૬.૨૨૪ કિલો ચાંદી રિકવર કરી છે અને બાકીની ચાંદી તેણે ક્યાં વેચી કે સગેવગે કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
