ટીવીના પોપ્યુલર એક્ટર ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલા હાલમાં ભારે ચર્ચામાં છે. રિયાલિટી શો ‘લોક અપ ૨’ (Lock Upp 2) માં આકાંક્ષાએ પોતાની પર્સનલ લાઈફને લઈને એક એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા છે. આકાંક્ષાએ નેશનલ ટીવી પર સ્વીકાર્યું છે કે તે બાયસેક્સ્યુઅલ (Bisexual) છે.
‘મારે છોકરીઓ સાથે પણ સંબંધો હતા’
શોના હોસ્ટ રિતેશ દેશમુખ અને ફરાહ ખાન સામે આકાંક્ષાએ જણાવ્યું કે, ગૌરવ ખન્ના સાથે લગ્ન કરતા પહેલા તેના કેટલીક મહિલાઓ સાથે પ્રેમ સંબંધો હતા. આકાંક્ષાએ કહ્યું, “હું લગ્ન પહેલા બાયસેક્સ્યુઅલ હતી. મારા કેટલીક છોકરીઓ સાથે સંબંધો રહ્યા છે. ભલે તે બહુ ગાઢ કે ઇન્ટિમેટ નહોતા, પણ હું મહિલાઓ સાથે રિલેશનશિપમાં હતી. મને છોકરીઓ ગમે છે.”
‘મહિલાઓ મારું સેફ પ્લેસ છે’
પોતાની વાત આગળ વધારતા આકાંક્ષાએ કહ્યું, “મને હંમેશાથી ફેમિનિન એનર્જી (સ્ત્રી ઊર્જા) ખૂબ ગમે છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં લોકો કહે છે કે બે છોકરીઓ ક્યારેય મિત્ર ન હોઈ શકે, તેમની વચ્ચે ઈર્ષ્યા હોય છે. પણ મારા મનમાં એવું કંઈ નથી. મારા માટે દરેક મહિલા સુંદર છે. આ પુરુષ પ્રધાન દુનિયામાં મહિલાઓ મારું સેફ પ્લેસ અને કમ્ફર્ટ ઝોન છે.”
આકાંક્ષાની હિંમત જોઈને ફરાહ ખાન ભાવુક થઈ
નેશનલ ટીવી પર આટલી મોટી સચ્ચાઈ સ્વીકારવા બદલ શોના હોસ્ટ અને બાકીના કન્ટેસ્ટન્ટ્સે આકાંક્ષાની હિંમતના વખાણ કર્યા હતા. ફરાહ ખાને ભાવુક થઈને તેને ગળે લગાવી હતી. આ જોઈને આકાંક્ષાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. તેણે રડતા રડતા કહ્યું કે, શોમાં આવવું કદાચ મારી ભૂલ હતી કારણ કે અહીં પહેલા દિવસથી જ મારા બધા રહસ્યો ખુલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આકાંક્ષાએ શોમાં ગૌરવ ખન્ના સાથે અલગ થવા અને છૂટાછેડા લેવાની વાતનો પણ સંકેત આપ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.
