ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે યોજાયેલી એક દારૂ પાર્ટી બાદ બનાવટી અને ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને ૪ પર પહોંચ્યો છે. આ કમનસીબ ઘટનામાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહિલ અને ઇન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, હાલ ભાવનગરની સર ટી. સિવિલ હોસ્પિટલમાં ૮ અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ૯ મળીને કુલ ૧૭ દર્દીઓ તબીબી દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે, જેમની હાલત હાલ સ્થિર હોવાનું જણાવાયું છે.
આ દુર્ઘટના સામે આવતાં જ ગાંધીનગર સુધી ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે અને અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક તેમજ ગુપ્તચર વિભાગ (IB) ના વડા વચ્ચે ઉચ્ચ સ્તરીય તાકીદની બેઠક યોજાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને સોંપવાનો નિર્ણય લેવાયો છે. SMC ના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર રવાના કરીને સમગ્ર નેટવર્કને ઝડપી પાડવા આદેશ અપાયા છે.
સ્થાનિક તપાસમાં સામે આવ્યું છે કે ૧૬ ઓગસ્ટની રાત્રે ખરકડી ગામના વાડી વિસ્તારમાં મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી, જેમાં ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડનો બનાવટી દારૂ પીધા બાદ યુવકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી અને ચક્કર આવવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ હતી. જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટતા કરી છે કે આ પરંપરાગત લઠ્ઠાકાંડ નથી, પરંતુ બ્રાન્ડેડ દારૂની આડમાં ડુપ્લિકેટ દારૂનું વેચાણ કરવામાં આવ્યું હતું.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત ૪ બુટલેગરોની અટકાયત કરી છે. પોલીસે છેલ્લા ૩-૪ દિવસમાં વહેંચાયેલા આ ઝેરી દારૂના જથ્થા પૈકી ૯૦ ટકા સ્ટોક રિકવર કરી લીધો છે અને બાકીનો જથ્થો ક્યાં સપ્લાય થયો તે અંગે તપાસ ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિએ આ દારૂનું સેવન કર્યું હોય, તેઓ તબિયત સામાન્ય લાગતી હોય તો પણ તાત્કાલિક નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જઈને ડોક્ટરી તપાસ કરાવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
