દેશના લાખો સરકારી કર્મચારીઓ ૮મા પગાર પંચ (8th Pay Commission) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન પગાર પંચ અલગ-અલગ શહેરોમાં કર્મચારી સંગઠનો, પેન્શનર્સ અને નિષ્ણાતો સાથે બેઠકો યોજી રહ્યું છે. અત્યાર સુધી થયેલી બેઠકો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે કર્મચારીઓની માંગણીઓ માત્ર પગાર વધારા (Fitment Factor) પૂરતી સીમિત નથી. કર્મચારીઓએ પંચ સમક્ષ એવી ૬ મોટી માંગણીઓ રજૂ કરી છે, જે તેમના કરિયર અને ભવિષ્યને સંપૂર્ણપણે બદલી શકે છે.
કર્મચારીઓની 6 મુખ્ય માંગણીઓ કઈ છે?
1. બેઝિક સેલરી સાથે ભથ્થામાં સુધારો
કર્મચારીઓની માંગ છે કે બેઝિક પે (આધારભૂત પગાર) વધારવાની સાથે મોંઘવારીના પ્રમાણમાં ભથ્થાં પણ વધવા જોઈએ. મોટા શહેરોના કર્મચારીઓએ એચઆરએ (HRA) અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધારવાની માંગ કરી છે. આ ઉપરાંત, બાળકોના શિક્ષણના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
2. સમયસર પ્રમોશન અને કેરિયર ગ્રોથ
ઘણા સરકારી કર્મચારીઓ આખી જિંદગી એક જ પોસ્ટ પર વિતાવી દે છે અને તેમના પ્રમોશન અટકેલા રહે છે. સંગઠનોએ માંગ કરી છે કે ૮મું પગાર પંચ ‘કેડર રિસ્ટ્રક્ચરિંગ’ માટે કડક નિયમો બનાવે જેથી સમયસર પ્રમોશન મળે. જો કોઈ કારણસર પ્રમોશન ન મળે, તો ઇન્ક્રીમેન્ટ (પગાર વધારા) દ્વારા તેની ભરપાઈ થવી જોઈએ.
3. પેન્શનના નિયમોનું સરલીકરણ
પેન્શનર્સ સંગઠનોએ માંગ કરી છે કે પેન્શન મેળવવાના નિયમોને સરળ બનાવવામાં આવે. જુદા જુદા પગાર પંચના કારણે જૂના અને નવા પેન્શનરોની પેન્શન રકમમાં મોટો તફાવત આવી ગયો છે, જેને ૮મા પગાર પંચમાં સમાન (Equal) કરવો જોઈએ.
4. NPS ને લઈને મૂંઝવણ દૂર થાય
કર્મચારીઓનું કહેવું છે કે નવી પેન્શન સ્કીમ (NPS) માર્કેટના ઉતાર-ચઢાવ પર આધારિત છે, તેથી તેનું રિટર્ન નક્કી હોતું નથી. પગાર પંચે આ વ્યવસ્થામાં ફેરફાર કરવો જોઈએ અને નિવૃત્તિ પછી એક સુરક્ષિત તેમજ ફિક્સ આવકની ગેરંટી આપવી જોઈએ.
5. મેડિકલ બિલનું ઝડપી રિઇમ્બર્સમેન્ટ
હાલમાં મેડિકલ બિલ પાસ થવામાં મહિનાઓનો સમય લાગી જાય છે. આ ઉપરાંત પેનલના હોસ્પિટલોની સંખ્યા પણ ઓછી છે. કર્મચારીઓ અને પેન્શનર્સે માંગ કરી છે કે તબીબી સુવિધાઓ સંપૂર્ણપણે કેશલેસ કરવામાં આવે અને કાગળની લાંબી પ્રક્રિયાને ટૂંકી કરવામાં આવે.
6. સોશિયલ સિક્યોરિટી (સામાજિક સુરક્ષા)
કર્મચારી સંગઠનો ગ્રુપ ઇન્શ્યોરન્સ સ્કીમ (GIS), ઓન-ડ્યુટી અકસ્માત સહાય અને દિવ્યાંગોને મળતી આર્થિક મદદમાં મોટો વધારો કરવાની માંગ કરી રહ્યા છે. મોંઘવારીના આ યુગમાં જૂની યોજનાઓ આઉટડેટેડ થઈ ગઈ હોવાથી તેને અપગ્રેડ કરવી ખૂબ જરૂરી છે.
