ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચ્યું છે. ઈરાનના બુશેહર ન્યૂક્લિયર પ્લાન્ટ (Bushehr Nuclear Plant) પર ચોથી વખત હુમલો થતા વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો આ પ્લાન્ટમાંથી રેડિયેશન લીક થશે, તો માત્ર ઈરાન જ નહીં પરંતુ અખાતી (Gulf) દેશો પણ તબાહ થઈ જશે.
ઈરાનનો સંયુક્ત રાષ્ટ્રને પત્ર
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પત્ર લખીને ગંભીર ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું કે:
-
અમેરિકા અને ઈઝરાયલ સતત પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવી રહ્યા છે.
-
બુશેહર પ્લાન્ટ પાસે આ ચોથો હુમલો છે.
-
રેડિયેશન ફેલાવાથી માનવીય અને પર્યાવરણીય કટોકટી સર્જાઈ શકે છે.
કયા દેશો પર છે જોખમ?
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો પરમાણુ વિકિરણ ફેલાશે તો તેની અસર સરહદો ઓળંગી જશે. ખાસ કરીને GCC (Gulf Cooperation Council) ના સભ્યો પર મોટું જોખમ છે:
-
સાઉદી અરેબિયા
-
સંયુક્ત આરબ અમીરાત (UAE)
-
કતાર
-
કુવૈત
-
બહેરીન
-
ઓમાન
IAEA ની પ્રતિક્રિયા
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો નોંધાયો નથી. IAEA ચીફ રાફેલ ગ્રોસીએ કહ્યું કે પરમાણુ પ્લાન્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં હુમલા ન થવા જોઈએ, કારણ કે ત્યાં સુરક્ષાના સાધનો હોય છે.
પશ્ચિમી દેશો પર બેવડા ધોરણોનો આરોપ
અરાઘચીએ પશ્ચિમી દેશોની ટીકા કરતા કહ્યું કે, જ્યારે યુક્રેનના પ્લાન્ટ પર હુમલો થયો ત્યારે હોબાળો મચાવનાર દેશો આજે ઈરાન વખતે મૌન છે. તેમણે ઉમેર્યું કે ઈરાનના પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
