ભાવનગર: દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ‘કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ’ તેવા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ માહોલ વચ્ચે ૨૨ નવેમ્બરના રોજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન અને રાજ્યના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પોતાના જૂના દિવસો અને કાર્યશૈલીનો ઉલ્લેખ કર્યો હતો.
નાદુરસ્ત તબિયત છતાં સ્નેહમિલનમાં આપી હાજરી
ભાવનગર ૧૦૩ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી દ્વારા આયોજિત આ સ્નેહમિલન સમારોહમાં ભાવનગર-બોટાદના સાંસદ નિમુબેન બાંભણિયા, તેમના પુત્ર દિવ્યેશ સોલંકી સહિત જિલ્લાભરમાંથી કોળી સમાજના આગેવાનો, યુવાનો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નાદુરસ્ત તબિયત હોવા છતાં કાર્યક્રમમાં પહોંચેલા પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, “અત્યારે મારી તબિયત ખૂબ ખરાબ છે, તેમ છતાં માત્ર તમારા પ્રેમને કારણે હું લંગડાતો-લંગડાતો અહીં આવ્યો છું. ભગવાનની કૃપાથી એકાદ-બે મહિનામાં હું ફરી સાજો થઈને દોડતો થઈ જઈશ અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય કોઈને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ.”
‘મેં સફેદ કપડાં તમારા માટે પહેર્યાં છે, ભૂતકાળમાં કાળા કપડાં પહેરીને ફર્યો છું’
પોતાના ૩૦ વર્ષના જાહેર જીવનનો ઉલ્લેખ કરતાં પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, ઘણા લોકોએ તેમને તલવારો ભેટમાં આપી છે, પરંતુ આ તલવારો તેમણે એમનેમ નથી રાખી અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરે છે, આ વાતમાં જેને જે સમજવું હોય તે સમજી લે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “પરસોત્તમ સોલંકીએ સફેદ કપડાં તમારા માટે પહેર્યાં છે, બાકી મારા જૂના ફોટા જોઈ લેજો જેમાં હું કાળા કપડાં પહેરીને ફરતો હતો. જોકે જાહેર જીવનમાં અમુક મર્યાદાઓનું પાલન કરવું પડતું હોય છે.”
પ્રામાણિકતા અને મુંબઈના જૂના દિવસો અંગે શું કહ્યું?
સમારોહમાં સંબોધન કરતાં તેમણે અન્ય આગેવાનોને ટકોર કરી હતી કે માત્ર ભાષણો કરવાથી કોઈનું ભલું થવાનું નથી, જ્યાં ભાષણ કરો ત્યાં કામ કરીને જાઓ. પોતાની પ્રામાણિકતા અંગે વાત કરતાં પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, ૩૦ વર્ષથી મંત્રી હોવા છતાં તેમણે ક્યારેય કોઈની પાસે મંત્રીપદ માંગ્યું નથી અને કોઈનો એક રૂપિયો ખાધો કે હડપ કર્યો નથી. દીવમાં થ્રી-સ્ટાર હોટેલ અને મુંબઈમાં બિલ્ડિંગનો બિઝનેસ હોવાનું જણાવી તેમણે કહ્યું કે તેઓ અહીં પૈસા કમાવવા આવ્યા નથી.
તેમણે પોતાના ભૂતકાળનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, મુંબઈમાં તેમની સામે ૩૨ કેસ હતા, છતાં બધામાં તેમને છોડી દેવા પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વનો ઉલ્લેખ કરી તેમણે કાર્યકર્તાઓને ખાતરી આપી હતી કે અડધી રાત્રે પણ હાકલ કરશો તો તેઓ હાજર થઈને કામ કરી બતાવશે.
‘કોળી સમાજનો મુખ્યમંત્રી’ મુદ્દે નેતાઓના અલગ-અલગ સૂર
બીજી તરફ, દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજનો મુખ્યમંત્રી હોવાની વાત કર્યા બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દે પરસોત્તમ સોલંકીએ પબુભા માણેકના નિવેદનને સમર્થન આપ્યું હતું અને તેમના ભાઈ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ સમાજને વધુ મોટું સ્થાન મળવું જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. જોકે, રાજકોટમાં તળપદા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, મુખ્યમંત્રી અને મંત્રીનો નિર્ણય કોઈ સમાજનો નહીં પરંતુ પક્ષના હાઈકમાન્ડનો હોય છે.
