Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

વિદેશમાં MBBS કરનારા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત: જે તે દેશમાંથી પ્રેક્ટિસ લાયસન્સની મંજૂરી લેવામાંથી મુક્તિ, NMC નો મહત્ત્વનો નિર્ણય

વિદેશમાં MBBS કરનારા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત: જે તે દેશમાંથી પ્રેક્ટિસ લાયસન્સની મંજૂરી લેવામાંથી મુક્તિ, NMC નો મહત્ત્વનો નિર્ણય

નવી દિલ્હી: વિદેશમાં જઈને તબીબી અભ્યાસ (MBBS) કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા અત્યંત મહત્ત્વપૂર્ણ અને રાહતરૂપ ડ્રાફ્ટ સુધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા પ્રસ્તાવ મુજબ, વિદેશથી મેડિકલ ડિગ્રી મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં મેડિકલ પ્રેક્ટિસનું લાયસન્સ મેળવવા માટે જે તે દેશના સ્થાનિક નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવાની મંજૂરી હોવી ફરજિયાત રહેશે નહીં. તેના બદલે, સંબંધિત દેશના સક્ષમ મેડિકલ સત્તામંડળ અથવા કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું પૂરતું ગણાશે.

રશિયા અને ચીન જેવા દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ઘટશે

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ MBBS ના અભ્યાસ માટે રશિયા, ચીન, જ્યોર્જિયા, ફિલિપાઇન્સ અને જર્મની જેવા દેશોમાં જાય છે. અત્યાર સુધી ૨૦૨૧ના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ રેગ્યુલેશન્સની સેક્શન 4B માં એવી કડક જોગવાઈ હતી કે વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્યાંના નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે લાયક હોવા જોઈએ. રશિયા સહિતના અનેક દેશોમાં સ્થાનિક ભાષાની પરીક્ષા અને અન્ય જટિલ વહીવટી પ્રક્રિયાઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને આ શરત પૂરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

૩૦ દિવસમાં મંગાવાયા સૂચનો, ૨૦૨૧ પછીના વિદ્યાર્થીઓને થશે લાભ

NMC ના આ ડ્રાફ્ટ સુધારામાં આ જટિલ શરતને હળવી કરવામાં આવી છે. જોકે, વિદેશથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ (FMGE) પાસ કરવી અને ભારતમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા સહિતના અન્ય નિયમોનું પાલન કરવાનું યથાવત્ રહેશે.

નેશનલ મેડિકલ કમિશને આ ડ્રાફ્ટ સુધારા અંગે સંબંધિત પક્ષો અને નિષ્ણાતો પાસેથી સૂચનો તથા મંતવ્યો મંગાવવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. આ સુધારો અંતિમ સ્વરૂપે મંજૂર થયા બાદ ૧૮ નવેમ્બર, ૨૦૨૧ અથવા ત્યારબાદ વિદેશી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવનારા તમામ ભારતીય વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ મળશે.

સંબંધિત પોસ્ટ્સ

બાનાખત રદ કરવા બંને પક્ષોની હાજરી ફરજિયાત, વડોદરામાં 20 વર્ષના દસ્તાવેજોની તપાસ

praxpatel

છોટાઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર ઇકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત

praxpatel

અમેરિકા પર મોટું ઊર્જા સંકટ: ૧૯૮૨ પછી પહેલીવાર ક્રૂડ ઓઈલનો વ્યૂહાત્મક ભંડાર તળિયે; ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પની મુશ્કેલીઓ વધી!

praxpatel