સુરત: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા અને સેજવાડ ગામ નજીક માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ ગામના એક શ્રમજીવી પરિવારના છ સભ્યોનું અપહરણ કરીને તેમને ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની ઊંડી નહેરમાં જીવતા ફેંકી દેવામાં આવ્યા હતા. આ ભયાનક સામૂહિક હત્યાકાંડમાં દંપતી અને એક દીકરી સહિત ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે બે માસૂમ બાળકો હજુ પણ પાણીના પ્રવાહમાં લાપતા છે. જોકે, પરિવારના ૧૩ વર્ષીય કિશોર કરણે નહેરમાં રહેલી પાઈપ પકડીને પોતાનો જીવ બચાવી લેતાં આ સમગ્ર કાળજું કંપાવી દેનારો ઘટસ્ફોટ થયો હતો.
કેવી રીતે બની સમગ્ર ઘટના? જાણો વિગતવાર
બારડોલી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. જાડેજાના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના એરંડોલ ખાતે રહેતા નીતિન પાટીલે લગભગ બે વર્ષ પહેલાં કવિતા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. કવિતાના પ્રથમ પતિ સંજય પાટીલનું અવસાન થયું હતું અને તેમના પ્રથમ લગ્નથી ત્રણ સંતાનો હતા. ગત ૨૧ નવેમ્બરના રોજ નીતિન પાટીલ, પત્ની કવિતા અને ચાર બાળકો એમ કુલ છ સભ્યો રોજગારી અર્થે કારમાં સુરત આવવા નીકળ્યા હતા.
બારડોલીના ઉવા ગામ નજીક પહોંચતા જ અન્ય એક સફેદ કારમાં આવેલા શખ્સોએ તેમની ગાડીને આંતરી હતી. આરોપીઓએ નીતિન, કવિતા અને તેમના બે વર્ષીય પુત્ર પ્રથમેશને એક કારમાં બેસાડ્યા હતા, જ્યારે અન્ય ત્રણ બાળકોને બીજી વાનમાં બેસાડી અલગ દિશામાં લઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ બાળકોને “નવું ઘર આવી ગયું છે” તેમ કહીને ઉકાઈ ડાબા કાંઠાની નહેર પાસે ઉતાર્યા હતા અને થોડે દૂર ચલાવીને આશરે ૬૦ ફૂટ પહોળી અને ૧૭ ફૂટ ઊંડી નહેરના ધસમસતા પાણીમાં ધક્કો મારી દીધો હતો. તેવી જ રીતે દંપતી અને નાના બાળકને પણ નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
૧૩ વર્ષીય કરણની હિંમતથી ખુલ્યું હત્યાકાંડનું રહસ્ય
નહેરના પ્રચંડ પ્રવાહમાં ફેંકાયેલા ૧૩ વર્ષીય કિશોર કરણને તરતા આવડતું હોવાથી તેણે હિંમત હાર્યા વિના નહેરમાં રહેલી એક લોખંડની પાઈપ પકડી લીધી હતી અને મહામહેનતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. બહાર આવ્યા બાદ તે નેશનલ હાઈવે-૫૩ પર આવેલા એક પેટ્રોલ પંપ અને હોટેલ પર પહોંચ્યો હતો અને સમગ્ર આપવીતી સંભળાવી હતી. સ્થાનિક કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં સમગ્ર તંત્ર દોડતું થયું હતું.
૩ મૃતદેહ મળ્યા, ૨ બાળકોની શોધખોળ અને ૬ પોલીસ ટીમો તૈનાત
ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ નહેરમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી નજીક નહેરમાંથી નીતિન પાટીલ, કવિતા પાટીલ અને દીકરી સ્વીટીના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ૧૫-૧૬ વર્ષીય હરીશ પાટીલ અને ૨ વર્ષનો માસૂમ પ્રથમેશ પાટીલ હજુ સુધી લાપતા છે. નહેરનો પ્રવાહ આગળ નવસારી ગ્રામ્ય અને જલાલપોર તરફ જતો હોવાથી ત્યાંના પોલીસ સ્ટેશનોને પણ એલર્ટ કરી શોધખોળ તેજ કરવામાં આવી છે.
સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, આ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. બચી ગયેલા કિશોરના નિવેદન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે બારડોલી પોલીસ, LCB અને SOG સહિત ૬૦ પોલીસકર્મીઓની ૬ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવત કે પારિવારિક કારણોસર આ સામૂહિક હત્યાકાંડ આચરવામાં આવ્યો હોવાની આશંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
