Gujarat : દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી મેડિકલ કેસોમાં સામાન્ય દિવસોની તુલનાએ મોટો ઉછાળો આવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભૂતકાળના ટ્રેન્ડ્સ અને ડેટા વિશ્લેષણ અનુસાર, ૦૮ થી ૧૧ નવેમ્બર દરમિયાન દૈનિક ૬,૦૦૦ થી વધુ કટોકટીના કેસ નોંધાઈ શકે છે. ખાસ કરીને નૂતન વર્ષના દિવસે ઇમરજન્સી કેસોમાં ૨૯.૧૨ ટકાનો જંગી વધારો થવાનો અંદાજ છે.
તહેવારોમાં નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે ૧૦૮ તંત્ર દ્વારા રાજ્યભરમાં ૧,૪૯૪ એમ્બ્યુલન્સના કાફલા સાથે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્ટાફ માટે ‘ઝીરો લીવ પોલિસી’ લાગુ કરાઈ છે.
દિવાળીના દિવસોમાં ઇમરજન્સી કેસોનું અનુમાન એક નજરે
રોડ અકસ્માત અને દાઝવાના બનાવોમાં તોતિંગ ઉછાળો થવાની શક્યતા
૧૦૮ દ્વારા જાહેર કરાયેલા આંકડાકીય વિશ્લેષણ મુજબ અમુક ચોક્કસ કેટેગરીમાં કેસોમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે:
-
માર્ગ અકસ્માતો (Road Accidents): સામાન્ય દિવસોમાં સરેરાશ ૬૪૬ અકસ્માત કેસ નોંધાય છે, જેની સામે દિવાળીએ ૧,૨૧૬ (૮૮.૨૪% વધારો), બેસતા વર્ષે ૧,૫૫૬ (૧૪૦.૮૭% નો તોતિંગ વધારો) અને ભાઈબીજે ૧,૦૧૬ કેસ નોંધાવાની શક્યતા છે. જેમાં સૌથી મોટો હિસ્સો ટુ-વ્હીલર અકસ્માતોનો રહેશે.
-
દાઝવાના બનાવો (Burn Injuries): ફટાકડા ફોડતી વખતે બેદરકારીને કારણે દાઝવાના બનાવો સામાન્ય દિવસોના દૈનિક ૧૧ કેસ સામે દિવાળીના દિવસે ૫૬૩.૬૪% વધીને ૭૩ કેસ સુધી પહોંચવાનો અંદાજ છે.
-
શારીરિક હિંસા/મારામારી (Physical Assault): સામાન્ય દિવસોના ૨૦૪ કેસ સામે દિવાળીના દિવસે ૫૬૭ (૧૭૭.૯૪% વધારો) અને બેસતા વર્ષે ૫૭૦ કેસ નોંધાઈ શકે છે.
રાજ્યના ૧૪ સંવેદનશીલ જિલ્લાઓ અને પીક અવર્સ
ડેટા મુજબ રાજ્યના ૧૪ જિલ્લાઓમાં સામાન્ય દિવસો કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ કેસ સામે આવી શકે છે:
-
હાઇ-રિસ્ક જિલ્લાઓ: આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સુરત, વડોદરા અને વલસાડ.
-
પીક ટાઇમિંગ (સૌથી વધુ કેસોનો સમય): બપોરે ૧૨:૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી સૌથી વધુ કોલ્સ આવવાની શક્યતા છે. ખાસ કરીને દિવાળીની રાત્રે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા વચ્ચે અને મોડી રાત્રે ૧૨:૦૦ થી વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યા સુધી ઇમરજન્સીનું પ્રમાણ ટોચ પર રહેશે.
૧૦૮ ની તૈયારી: ઝીરો લીવ પોલિસી અને સરેરાશ ૧૨ મિનિટનો રિસ્પોન્સ ટાઈમ
સંભવિત તબીબી કટોકટીને પહોંચી વળવા માટે સમગ્ર તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે:
-
રજાઓ રદ: ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC) અને ફિલ્ડ સ્ટાફ માટે સાપ્તાહિક રજાઓ પર પ્રતિબંધ સાથે ‘ઝીરો લીવ’ પોલિસી લાગુ કરવામાં આવી છે.
-
૧,૪૯૪ એમ્બ્યુલન્સ સજ્જ: રાજ્યભરની તમામ ૧,૪૯૪ એમ્બ્યુલન્સનું પ્રી-સર્વિસિંગ પૂર્ણ કરાયું છે અને તેમાં બર્ન કીટ્સ તેમજ વધારાની જીવનરક્ષક દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે.
-
ઝડપી પ્રતિસાદ: હાલ ૧૦૮ સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૨ મિનિટ અને ૫૩ સેકન્ડ નો છે.
૧૦૮ ના ચીફ ઓપરેટિંગ ઓફિસરે (COO) નાગરિકોને અપીલ કરી છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ કરવો, ફટાકડા ફોડતી વખતે યોગ્ય અંતર જાળવવું અને ખોરાકની બાબતમાં સાવચેતી રાખવી. કોઈપણ કટોકટીની સ્થિતિમાં વિલંબ કર્યા વિના ૧૦૮ અથવા ૧૧૨ (જનરક્ષક સેવા) પર તાત્કાલિક સંપર્ક કરવો.
