તાજેતરમાં ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો અને તીવ્ર વધ-ઘટ (Volatility) જોવા મળી રહી છે. ભારે ઘટાડાથી લગ્નસરાની ખરીદી કરનારા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે, જ્યારે રોકાણકારો ચિંતામાં મુકાયા છે. બજારમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું સોના-ચાંદીના ભાવ હજુ વધુ ઘટશે કે પછી વર્તમાન ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની શ્રેષ્ઠ તક છે?
કેડિયા કોમોડિટીઝના પ્રેસિડેન્ટ અજય કેડિયા, કોટક નિયોના હેડ ઓફ કરન્સી એન્ડ કોમોડિટી રિસર્ચ અનિંદ્ય બેનર્જી અને બ્રિકવર્ક રેટિંગ્સના હેડ ઓફ રિસર્ચ રાજીવ શરણ ના વિશ્લેષણના આધારે સમગ્ર સ્થિતિની વિગતો નીચે મુજબ છે.
રેકોર્ડ હાઈથી સોના-ચાંદીના ભાવની સ્થિતિ એક નજરે
સોનાના ભાવમાં ઘટાડા પાછળનાં ૫ મુખ્ય કારણો
બ્રિકવર્ક રેટિંગ્સના રાજીવ શરણ આ ઘટાડાને તેજીના ટ્રેન્ડમાં ફેરફાર ગણવાને બદલે એક સામાન્ય ટેકનિકલ કરેક્શન (Technical Correction) માને છે. ઘટાડા પાછળ નીચે મુજબનાં પરિબળો સક્રિય છે:
૧. પ્રોફિટ બુકિંગ: રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ મોટા રોકાણકારોએ નફો વસૂલવાનું શરૂ કર્યું છે.
૨. મજબૂત ડૉલર ઇન્ડેક્સ: ડૉલર ઇન્ડેક્સ મજબૂત થવાથી સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ પર સીધું દબાણ સર્જાયું છે.
૩. યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો: અમેરિકી ટ્રેઝરી બોન્ડ યીલ્ડ વધતાં વ્યાજ આપતી સંપત્તિઓ રોકાણકારો માટે વધુ આકર્ષક બની છે, જેથી બિન-વ્યાજી સંપત્તિ સોનાનું આકર્ષણ ઘટ્યું છે.
૪. ફેડ રેટ કટની અપેક્ષાઓ નબળી: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તાત્કાલિક કાપ મૂકવાની શક્યતાઓ ઓછી થતાં સોનાને મળતો સપોર્ટ નબળો પડ્યો છે.
૫. સેફ હેવન ડિમાન્ડમાં ઘટાડો: વૈશ્વિક સ્તરે સુરક્ષિત રોકાણ (Safe Haven) તરીકેની ત્વરિત માંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
કોટક નિયોના અનિંદ્ય બેનર્જીના મતે, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું ૪,૧૨૦ ડૉલર પ્રતિ ઔંસ અને MCX પર ₹૧,૪૬,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની નીચે રહે ત્યાં સુધી સાવચેત રહેવું જરૂરી છે. ભાવ ₹૧.૪૨ લાખથી ₹૧.૪૦ લાખની રેન્જ સુધી સરકી શકે છે.
ચાંદી ૫૪% થી વધુ કેમ તૂટી? શું ₹૧.૭૫ લાખ સુધી ઘટશે?
અજય કેડિયાના જણાવ્યા અનુસાર, MCX પર ચાંદી તેના સર્વોચ્ચ સ્તર ₹૪,૨૦,૦૪૮ પ્રતિ કિલોથી ગગડીને ₹૧,૯૨,૮૦૦ સુધી આવી ગઈ હતી, જે લગભગ ૫૪.૧૦% નો ઘટાડો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદી ૧૨૧.૬૪ ડૉલરથી ઘટીને ૫૩.૪૭ ડૉલર પ્રતિ ઔંસ (લગભગ ૫૬% ઘટાડો) થઈ છે.
-
ઘટાડાનાં કારણો: ક્રૂડ તેલના ભાવમાં અસ્થિરતા, મોંઘવારીના કારણે વ્યાજદરો ઊંચા રહેવાની ચિંતા, વૈશ્વિક શેરબજારોની નબળાઈ વચ્ચે રોકડ ઊભી કરવા માટે કિંમતી ધાતુઓનું વેચાણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધીમી પડતાં ઔદ્યોગિક માંગ પર અસર.
-
નજીકના ગાળાનું જોખમ: અનિંદ્ય બેનર્જીના મતે, વૈશ્વિક સ્તરે ૫૦ ડૉલર તૂટ્યા બાદ ૪૮ અને ૪૬ ડૉલર સુધીના સ્તરો જોવા મળી શકે છે. પ્રતિકૂળ સંજોગોમાં MCX પર ચાંદી ₹૧.૭૫ લાખથી ₹૧.૮૦ લાખ પ્રતિ કિલો સુધી આવી શકે છે.
-
રિકવરીની સંભાવના: અજય કેડિયા ઉમેરે છે કે ચાંદીની કુલ માંગમાંથી અડધો હિસ્સો ઇન્ડસ્ટ્રિયલ ઉપયોગનો છે અને ગ્લોબલ સપ્લાય ડેફિસિટ લાંબા ગાળે ભાવને ટેકો આપશે. પરિસ્થિતિ સુધરતાં આગામી ધનતેરસ સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદી ૯૦ થી ૧૦૦ ડૉલર સુધી પુનઃ પહોંચી શકે છે.
સોના-ચાંદીના ખરીદદારો અને રોકાણકારો માટે વ્યૂહરચના
-
લગ્નસરા કે ઘરેલુ ઉપયોગ માટે: જો પરિવારમાં લગ્ન કે અન્ય પ્રસંગ માટે દાગીનાની જરૂરિયાત હોય, તો ભાવ હજુ વધુ ઘટશે તે અપેક્ષાએ ખરીદી મુલતવી રાખવાને બદલે જરૂરિયાત અને બજેટ મુજબ ખરીદી કરવી હિતાવહ છે. સ્થાનિક બજારમાં જીએસટી અને મેકિંગ ચાર્જિસ અલગથી લાગુ થાય છે.
-
લાંબા ગાળાના રોકાણકારો માટે: એકસામટી રકમ રોકવાને બદલે તબક્કાવાર ખરીદી (STAGGERED / SIP પદ્ધતિ) અપનાવવી જોઈએ, જેથી સરેરાશ કિંમતનો લાભ મળે.
-
એસેટ એલોકેશન: સોનાને પોર્ટફોલિયો હેજિંગ (જોખમ સંતુલન) ના સાધન તરીકે જોવું જોઈએ. ચાંદીમાં ઔદ્યોગિક માંગ સંકળાયેલી હોવાથી તેમાં જોખમ અને અસ્થિરતા સોના કરતાં વધુ રહે છે. રોકાણનો નિર્ણય માત્ર ભાવના ટાર્ગેટ જોઈને નહીં પરંતુ ડૉલર ઇન્ડેક્સ, યુએસ બોન્ડ યીલ્ડ અને ક્રૂડ તેલની ચાલ પર નજર રાખીને લેવો સલાહભર્યો છે.
