પણજી (ગોવા): ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP) એ રાજ્યની ભાજપ સરકાર સામે સીધો મોરચો ખોલ્યો છે. CJP ના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હવે તેમની પાર્ટી ક્યાંય જવાની નથી પરંતુ ગોવામાં જ રહીને એક મજબૂત પ્રેશર ગ્રુપ તરીકે કામ કરશે અને સરકારને સવાલો પૂછશે. દીપકેએ જાહેરાત કરી છે કે તેઓ ગોવા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) પણ જાહેર કરશે, જોકે તેમણે પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે.
કલમ ૩૯A હટાવવી પ્રથમ પ્રાથમિકતા, યુવાનોને સાથ આપવાની જાહેરાત
અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડવા માટે નહીં પરંતુ ગોવાના યુવાનોને સાથ આપવા માટે આવ્યા છે અને તેમની પ્રથમ પ્રાથમિકતા કલમ ૩૯A ને નાબૂદ કરાવવાની છે. સ્થાનિક લોકોના ભારે વિરોધને કારણે કલમ ૩૯A ભાજપ સરકારની દુખતી રગ સમાન બની ગઈ છે અને CJP એ સીધો આ જ મુદ્દો ઉઠાવ્યો છે.
CJP નેતા આશુતોષ રાંકાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેઓ ગોવામાં લાંબા સમય માટે આવ્યા છે અને હવે અહીં લાંબી રમત ચાલશે. તેમણે ઉમેર્યું હતું કે એક આંદોલને સૌને એકત્ર કર્યા છે, પાર્ટીના સભ્યો દિવાળી નિમિત્તે પરિવાર સાથે હોવાથી થોડા સમય માટે શાંત હતા, પરંતુ હવે કોઈ ભ્રમમાં ન રહે કારણ કે ‘કોકરોચ ક્યારેય મરશે નહીં.’ રાંકાએ વધુમાં કહ્યું કે કોઈ ૭૫ વર્ષના મહામાનવ આ દેશનું ભવિષ્ય નથી, પરંતુ દેશનું સાચું ભવિષ્ય યુવાનો છે.
શું છે વિવાદાસ્પદ કલમ ૩૯A નો સમગ્ર મામલો?
ગોવા નગર અને ગ્રામીણ નિયોજન અધિનિયમ ૧૯૭૪માં વર્ષ ૨૦૨૪ દરમિયાન સુધારો કરીને કલમ ૩૯A ઉમેરવામાં આવી હતી. આ કલમ હેઠળ બોર્ડની મંજૂરી બાદ કોઈ પણ જમીનના પ્લોટનો ઝોન બદલી શકાય છે, જેના માટે જનતા પાસેથી વાંધા મંગાવવા માત્ર ૩૦ દિવસનો સમય આપવામાં આવે છે. આ જોગવાઈના કારણે ખેતીલાયક અને જંગલની જમીનનો ઉપયોગ પણ બાંધકામ કે શહેરી વિકાસ માટે થઈ શકે છે.
ગોવાના સ્થાનિક લોકો આ કલમ હટાવવા માટે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે, કારણ કે તેમનું માનવું છે કે તેનાથી પર્યાવરણને મોટું નુકસાન થશે અને ઉદ્યોગપતિઓ તથા રસૂખદારોને ફાયદો થશે. અભિજીત દીપકેએ આક્ષેપ કર્યો હતો કે ગોવાની સંસ્કૃતિને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને હવે CJP ગોવાની ઓળખ તથા જમીન બચાવવા માટે લડત ચલાવશે.
