દિવાળીના મહાપર્વની રાત્રે અમદાવાદ શહેરમાં આતશબાજી અને રોશની વચ્ચે આગ લાગવાના બનાવોને પગલે ઈમરજન્સી કંટ્રોલ રૂમ સતત ધમધમતો રહ્યો હતો. ફટાકડાના તણખા અને શોર્ટ સર્કિટના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાંથી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં આગ લાગવાના કુલ ૨૬ કોલ ફાયરબ્રિગેડ વિભાગને મળ્યા હતા. તહેવારને ધ્યાને રાખીને અગાઉથી હાઈ એલર્ટ પર રહેલી ફાયરબ્રિગેડની ટીમોએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર સમયસર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટો અનિષ્ટ ટળી ગયો હતો.
પ્રાથમિક તપાસ મુજબ શહેરના ઘોડાસરમાં નિગમ બસ સ્ટેન્ડ નજીક નીલગીરી સોસાયટીમાં આવેલી ભંગારની દુકાનમાં આગ ભભૂકી ઊઠી હતી, જ્યારે વાસણામાં નારાયણ નગર સ્થિત ચંદ્ર મૌલી હોલ પાસે, બોપલ-૩ ના રાધેશ્યામ રો હાઉસના એક મકાનમાં અને નવરંગપુરા ખાતે આવેલી લોયલા સ્કૂલના મેદાનમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ ઉપરાંત નિકોલમાં અમર જવાન સર્કલ નજીક આવેલી ધ ગ્રાન્ડ સેરેનિટી નામની બિલ્ડિંગના આઠમા અને દસમા માળે ફ્લેટમાં આગ ફેલાતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, તમામ સ્થળોએ ફાયર ફાઈટરોની ત્વરિત કાર્યવાહીથી સ્થિતિ ગણતરીના સમયમાં નિયંત્રણ હેઠળ આવી ગઈ હતી.
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગની ઘટનાઓમાં આકાશમાં જઈને ફૂટતા હવાઈ ફટાકડા અને રોકેટના તણખા સોફ્ટ ટાર્ગેટ બનેલા સ્થળો પર પડ્યા હતા. ખાસ કરીને બંધ મકાનોની બાલ્કની કે ગેલેરીઓમાં સૂકવેલા કપડાં, ગાદલા-ગોદડાં, ધાબા પર એકઠા કરાયેલા સુકા કચરાના ઢગલા અને વેપારી મથકોના નકામા પૂંઠા-ભંગાર પર તણખો પડતાં આગ ઝડપથી પકડી લીધી હતી. ફાયર વિભાગે નાગરિકોને અગાશી કે ગેલેરીઓમાં જ્વલનશીલ કચરો ન રાખવા અને તહેવારો દરમિયાન ફટાકડા ફોડતી વખતે યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે.
