બોલિવૂડના સૌથી લોકપ્રિય અને ચર્ચિત સ્ટાર કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલે આ દિવાળીના તહેવારને પોતાના ચાહકો માટે વધુ યાદગાર બનાવી દીધો છે. લાંબા સમયથી ચાહકો જે પળની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી પહોંચી છે. લગ્ન બાદ માતા-પિતા બનેલા કેટરીના અને વિક્કીએ પુત્રના જન્મને એક વર્ષ પૂર્ણ થતાં દિવાળીના પાવન અવસરે પહેલીવાર પોતાના દીકરા વિહાન કૌશલનો સુંદર ચહેરો સોશિયલ મીડિયા પર ચાહકો સમક્ષ જાહેર કર્યો છે. એક ખૂબ જ વ્હાલી ફેમિલી તસવીર શેર કરતાંની સાથે જ સોશિયલ મીડિયા પર લાઈક્સ અને શુભેચ્છાઓનો મોટો પ્રવાહ શરૂ થઈ ગયો છે.
શેર કરવામાં આવેલી આ ફેમિલી તસવીરમાં પરંપરાગત ભારતીય પરિધાનનો સુંદર રંગ જોવા મળ્યો હતો. કેટરીના કૈફે પીળા રંગનો પરંપરાગત સૂટ પહેર્યો હતો, જ્યારે વિક્કી કૌશલ ક્લાસિક વ્હાઇટ કૂર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા. બીજી તરફ તેમના એક વર્ષના લાડકવાયા વિહાનને પણ સફેદ કૂર્તા-પાયજામા સાથે મમ્મીના આઉટફિટ સાથે મેચ થતી સુંદર પીળી જેકેટ પહેરાવવામાં આવી હતી. તસવીરમાં વિહાન પોતાના માતા-પિતાના ખોળામાં ખિલખિલાટ હસતો જોવા મળી રહ્યો છે. વિહાનના આ કિયૂટ અંદાજ અને સ્મિત પર ફેન્સ સંપૂર્ણ ફિદા થઈ ગયા છે. અનન્યા પાંડે, શીતલ ઠાકુર, શિબાની દાંડેકર, મલાઈકા અરોરા અને ચિત્રાંગદા સિંહ સહિત બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓએ પોસ્ટ પર પ્રેમ વરસાવતી કમેન્ટ્સ કરી છે. કેટલાય ચાહકો વિહાનના લુક્સની સરખામણી કેટરીના સાથે કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમાં પિતા વિક્કી કૌશલની ઝલક જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેટરીના અને વિક્કીએ સપ્ટેમ્બર મહિનામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને ૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ પુત્રના જન્મની સત્તાવાર માહિતી આપી હતી. ત્યારબાદ જન્મના બે મહિના પછી ૭ જાન્યુઆરીએ તેમણે બાળકનું નામ ‘વિહાન’ રાખવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી. જોકે, અન્ય સ્ટાર પેરેન્ટ્સની જેમ તેમણે પણ શરૂઆતમાં પુત્રને કેમેરા અને મીડિયાની નજરોથી દૂર રાખ્યો હતો. હવે વિહાનના પ્રથમ જન્મદિવસે અને દિવાળીના શુભ દિવસે તેનો ચહેરો સત્તાવાર રીતે સામે આવતાં ઇન્ટરનેટ પર આ તસવીર ઝડપથી વાયરલ થઈ ગઈ છે.
થોડા સમય અગાઉ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં કેટરીના અને વિક્કી સાથે હાજરી આપી હતી, જ્યાં બાળકના જન્મ બાદ વજન વધવાને કારણે કેટરીનાને સોશિયલ મીડિયા પર કેટલાક ટ્રોલ્સે નિશાન બનાવી હતી. જોકે કેટરીનાએ તાજેતરમાં પોતાની બ્યુટી બ્રાન્ડના એક કાર્યક્રમ દરમિયાન બોડી શેમિંગ અને ઓનલાઇન ટ્રોલિંગ સામે સ્પષ્ટ વલણ દાખવતાં જણાવ્યું હતું કે વ્યક્તિએ પોતાના સિદ્ધાંતો અને આત્મસન્માન સાથે સમાધાન ન કરવું જોઈએ. જો આપણે સૌને ખુશ કરવા જઈશું તો પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસીશું. હવે પરિવાર સાથેની આ ખુશહાલ દિવાળી તસવીરે ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપી દીધો છે અને સમગ્ર પરિવારે પ્રેમપૂર્વક ઉત્સવ મનાવ્યો છે.
