Patan : આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મુસાફરોને વતન અને અન્ય શહેરોમાં જવા માટે મુશ્કેલી ન પડે તે હેતુથી પાટણ એસટી બસ ડેપો દ્વારા વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થતાં એસટી નિગમ દ્વારા મુખ્ય શહેરો અને સ્થાનિક રૂટ પર વધારાની બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પાટણ ડેપો મેનેજર વિપુલ રાવળના જણાવ્યા મુજબ, અમદાવાદ અને વડોદરા તરફ જતા મુસાફરોની સુવિધા માટે ચાર વિશેષ બસો ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત ચાણસ્મા, બહુચરાજી, હારીજ, રાધનપુર, ડીસા અને સિદ્ધપુર સહિતના સ્થાનિક રૂટ પર મુસાફરોની સંખ્યા અને માંગ પ્રમાણે તાત્કાલિક વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું હતું.
તહેવારો દરમિયાન વતન પરત ફરતા શ્રમિકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. દાહોદ તરફ જતા શ્રમિકો માટે કોન્ટ્રાક્ટરો દ્વારા સાત વધારાની બસોની માંગ કરવામાં આવી હતી. જેને પગલે એસટી વિભાગ દ્વારા તમામ સાત બસો ફાળવીને શ્રમિકોની મુસાફરી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
એસટી તંત્રના આ આયોજનથી તહેવારો દરમિયાન મુસાફરી કરતા પાટણ અને આસપાસના વિસ્તારના મુસાફરોને રાહત મળી હતી.
