dengue : દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે વારંવાર સન્માન મેળવનારા અમદાવાદ શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો હોય તેવી ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ચોપડે છેલ્લા માત્ર 57 દિવસમાં ડેન્ગ્યૂના 857 સત્તાવાર કેસ નોંધાયા છે, જ્યારે ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા આના કરતાં અનેકગણી વધારે હોવાનો અંદાજ છે.
આ ગંભીર સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે શહેરના નાગરિકોને સંબોધીને એક જાહેર અપીલ કરી છે, જેમાં તેમણે ડેન્ગ્યૂના મચ્છરો અંગે એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક વાસ્તવિકતા સામે મૂકી છે.
લોકોમાં ગેરમાન્યતા: એડિસ મચ્છર સ્વચ્છ પાણીમાં જ ઈંડા મૂકે છે
મ્યુનિસિપલ કમિશનરે લોકોને ડેન્ગ્યૂ સામેની લડાઈમાં સીધા જોડાવવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે:
-
ગંદા પાણીની ખોટી માન્યતા: મોટાભાગના લોકો એવું માને છે કે મચ્છરો માત્ર ગટરો, ખાડા કે ગંદા પાણીના ભરાવામાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ ડેન્ગ્યૂ ફેલાવતો એડિસ (Aedes) મચ્છર માત્ર અને માત્ર સ્વચ્છ તેમજ સ્થિર પાણીમાં જ બ્રીડિંગ કરે છે.
-
ઘર અને ઓફિસમાં ભરાયેલું પાણી: લોકો પોતાના ઘરો, ઓફિસો, ધાબા કે અગાશીમાં ખુલ્લા રાખેલા સ્વચ્છ પાણીના વાસણો, કૂલર, ફ્રિજની પાછળ રહેલી ડિફ્રોસ્ટ ટ્રે, કુંડાની નીચેની પ્લેટ અને પક્ષીઓના કુંડા જેવી જગ્યાઓ તાત્કાલિક સાફ કરે અને પાણી ખાલી કરે.
-
બળેલા ઓઇલનો ઉપયોગ: જો ઘરની આસપાસ ક્યાંય અનિવાર્યપણે પાણી ભરાયેલું રહેતું હોય, તો તેમાં મચ્છરના પોરા (લાર્વા) નો નાશ કરવા બળેલું ઓઇલ કે દવાનો છંટકાવ કરવો જોઈએ.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગોના સત્તાવાર આંકડા
AMC આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ શહેરમાં વિવિધ મચ્છરજન્ય રોગોનો વ્યાપ નીચે મુજબ જોવા મળ્યો છે:
રોગચાળો ડામવાની જવાબદારી હવે નાગરિકોના શિરે
મ્યુનિસિપલ કમિશનરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા દવા છંટકાવ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી સતત ચાલી રહી છે, પરંતુ જ્યાં સુધી સામાન્ય નાગરિકો પોતાના ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો નાબૂદ નહીં કરે ત્યાં સુધી આ રોગચાળાને નાથવો અશક્ય છે.
તંત્રે લોકોને અપીલ કરી છે કે દર અઠવાડિયે ઓછામાં ઓછો એક દિવસ ‘ડ્રાય ડે’ (Dry Day) તરીકે ઉજવીને ઘરમાં સંગ્રહાયેલા તમામ પાત્રો પૂરેપૂરા સૂકવીને ફરીથી ઉપયોગમાં લેવા.
