દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારની એક હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે. એક 26 વર્ષીય પરણિત યુવક પોતાનો ફર્ટિલિટી (પ્રજનન ક્ષમતા) ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે, તપાસ દરમિયાન તબીબોને તેના પેટની અંદર ગર્ભાશય (યૂટ્રસ) અને ફેલોપિયન ટ્યુબ મળી આવતાં ડૉક્ટરોની ટીમ પણ દંગ રહી ગઈ હતી.
તપાસમાં જાણવા મળ્યું કે યુવકનો શારીરિક દેખાવ સંપૂર્ણપણે પુરુષ જેવો જ હતો, પરંતુ તેના અંડકોષ (Testes) પોતાની યોગ્ય જગ્યાએ નહોતા.
તપાસ અને ગિનેટિક ટેસ્ટના ચોંકાવનારા પરિણામો
આ કેસની સારવાર કરી રહેલા ડૉ. સુશીલ ખરબંદાના જણાવ્યા અનુસાર, દર્દીના વિવિધ તબીબી પરીક્ષણો કરવામાં આવ્યા હતા:
-
MRI તપાસ: યુવકના પેલ્વિક વિસ્તારમાં ગર્ભાશય અને મહિલાઓમાં જોવા મળતી બે ફેલોપિયન ટ્યુબ જેવી રચનાઓ જોવા મળી હતી.
-
જેનેટિક ટેસ્ટ (જનીન તપાસ): તપાસમાં તેનો ક્રોમોસોમ પેટર્ન 46,XY મળી આવ્યો હતો, જે સામાન્ય પુરુષોમાં હોય છે.
-
સ્પર્મ કાઉન્ટ: ફર્ટિલિટી ટેસ્ટમાં સ્પર્મ કાઉન્ટ શૂન્ય (Zero) નોંધાયો હતો.
-
અંડકોષની સ્થિતિ: યુવકના બંને અંડકોષ થેલીમાં હોવાને બદલે પેટની અંદર જ રહી ગયા હતા.
શું છે પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમ (PMDS)?
તબીબોએ આ યુવકમાં Persistent Müllerian Duct Syndrome (PMDS) નું નિદાન કર્યું છે. તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં આ રોગના ખૂબ જ મર્યાદિત કિસ્સાઓ નોંધાયા છે.
સામાન્ય રીતે પુરુષ ભ્રૂણના વિકાસ દરમિયાન શરૂઆતમાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ બને છે, પરંતુ જન્મ પહેલાં તે આપોઆપ નાશ પામે છે. PMDS ની સ્થિતિમાં આ અંગો શરીરની અંદર જ રહી જાય છે.
લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા જટિલ ઓપરેશન
તબીબોએ પરિસ્થિતિની ખાતરી કરવા માટે લેપ્રોસ્કોપી કરી હતી. પેટની અંદર લાંબા સમય સુધી અંડકોષ રહી જવાથી તેમાં કેન્સરનું જોખમ વધી જાય છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ સર્જરી દ્વારા અપૂર્ણ વિકસિત ગર્ભાશય અને પેટમાં રહેલા અંડકોષને સફળતાપૂર્વક બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો.
