ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાની એથ્લેટ સાથેનો એક રમુજી કિસ્સો સંભળાવ્યો. કિસ્સો સાંભળ્યા બાદ પીએમ મોદી પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા. બેરવાલે તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પોતાના નિવસ્થાને કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ અનેક એથ્લેટ્સ સાથે વાર્તાલાપ કર્યો અને ભારતની રમતગમત યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી. આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે પીએમ મોદીને પાકિસ્તાની ખેલાડીની એક વાત કહી સંભળાવી હતી, જે સાંભળીને વડાપ્રધાન સહિત ત્યાં હાજર તમામ એથ્લેટ્સ હસી પડ્યા હતા.
બેરવાલે ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે ગ્લાસગોમાં કુલ 39 મેડલ જીત્યા છે, જેમાં ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સામેલ છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું.
‘મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે’
બેરવાલે પીએમ મોદીને કિસ્સો સંભળાવતા કહ્યું, “સર, જ્યારે પાકિસ્તાનની વાત ચાલી રહી છે તો મને એક કિસ્સો યાદ આવ્યો. 2015માં ‘વર્લ્ડ મિલિટરી ગેમ્સ’ રમાઈ રહી હતી. મારી પહેલી ફાઈટ પાકિસ્તાની બોક્સર સામે હતી. આર્મીની ગેમ્સ હોવાથી અધિકારીઓના ફોન આવ્યા કે પાકિસ્તાન સામે હારવાનું નથી. મેં પહેલો રાઉન્ડ 4-1થી અને બીજો રાઉન્ડ 3-2થી જીત્યો, પણ ફાઈટ દરમિયાન અમારા બંનેના માથા અથડાતાં કટ વાગ્યો હતો. જોકે, ફાઈટ હું જીતી ગયો. ત્યારબાદ અમે બંને હોસ્પિટલમાં ટાંકા લેવા ગયા.”
તેણે આગળ કહ્યું, “તમે 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. અમારી સાથે જે આર્મીના કોચ ગયા હતા તેમનું નામ પણ ‘નરેન્દ્ર રાણા’ હતું. પેલા પાકિસ્તાની બોક્સરે થોડીવાર વિચારીને કહ્યું- ‘ભાઈજાન એક વાત કહું?’ મેં કહ્યું- ‘હા બોલ.’ તેણે કહ્યું- ‘ભાઈજાન તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ નરેન્દ્ર છે અને તમારા વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર છે… મને તો નરેન્દ્ર નામથી જ નફરત થઈ ગઈ છે!'”
ભારતે બોક્સિંગમાં સૌથી વધુ મેડલ જીત્યા
કોમનવેલ્થ ગેમ્સ 2026માં બોક્સિંગ ભારત માટે સૌથી વધુ મેડલ અપાવનારી રમત બની રહી, જેમાં 10 મેડલ મળ્યા, જેમાં સાત ગોલ્ડ શામેલ હતા. કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગ ક્ષેત્રે ભારતનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારતીય મહિલા બોક્સર્સે અદ્ભુત પ્રદર્શન કરીને સાતમાંથી પાંચ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા.
આ ઉપરાંત જ્યુડોમાં પણ ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું હતું. અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે આ રમતમાં કુલ ચાર મેડલ મેળવ્યા હતા. વેઈટલિફ્ટિંગમાં પણ ભારતીય લિફ્ટર્સે 8 મેડલ જીત્યા, જેમાં મીરાબાઈ ચાનુંએ પોતાના શાનદાર કરિયરમાં વધુ એક ગોલ્ડ ઉમેર્યો હતો.
