સીરિયાની રાજધાની દમાસ્કસ મંગળવારે પ્રચંડ બોમ્બ ધડાકાથી ધણધણી ઉઠી હતી. સીરિયામાં આ બ્લાસ્ટ એવા સમયે થયો જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ત્યાંના પ્રવાસે છે. દમાસ્કસની ‘ફોર સીઝન્સ હોટલ’ બહાર બે જોરદાર ધમાકા થયા હતા. અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ મેક્રોન આ જ હોટલમાં રોકાયા હતા.
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સંપૂર્ણ સુરક્ષિત
જ્યારે આ ધમાકા થયા ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શારાને મળવા માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરી રહ્યા હતા. ફ્રાન્સ સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, ઇમેન્યુઅલ મેક્રોન સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, હોટલની બહાર પાર્ક કરેલી એક કારમાં આ વિસ્ફોટક ઉપકરણો ફિટ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રસ્તા પર સળગતી ગાડી અને ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. જો કે, આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી.
14 વર્ષના યુદ્ધ બાદ સીરિયા પહોંચનારા પ્રથમ પશ્ચિમી નેતા
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સીરિયાની મુલાકાત લેનારા પ્રથમ મોટા પશ્ચિમી નેતા છે. તેઓ સોમવારે રાત્રે એક મોટા આર્થિક પ્રતિનિધિમંડળ સાથે દમાસ્કસ પહોંચ્યા હતા. સીરિયામાં 14 વર્ષ સુધી ચાલેલા યુદ્ધ બાદ દેશના પુનઃનિર્માણ અને રોકાણકારોને આકર્ષવા માટે ફ્રાન્સ અને સીરિયા વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ કરારો (MoU) થવાના છે. આ પ્રવાસ બાદ મેક્રોન તુર્કીમાં યોજાનારી નાટો (NATO) સમિટમાં ભાગ લેવા રવાના થશે.
થોડા દિવસો પહેલા જ થયો હતો અન્ય એક બ્લાસ્ટ
દમાસ્કસમાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા જ દમાસ્કસના ‘જસ્ટિસ પેલેસ’ પાસે એક કેફેમાં પણ ભયાનક બ્લાસ્ટ થયો હતો. તે આત્મઘાતી હુમલામાં 10 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
હોટલ બહાર થયેલા આ તાજા બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી. સીરિયાની સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે.
