Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ખેડૂતોને લૂંટીને વેપારીઓને ફાયદો, ઘઉં મુદ્દે AAP નેતા સાગર રબારીનો ભાજપ સરકાર પર પ્રહાર

ખેડૂતોને લૂંટીને વેપારીઓને ફાયદો, ઘઉં મુદ્દે AAP નેતા સાગર રબારીનો ભાજપ સરકાર પર પ્રહાર
  • MSP જાહેર છતાં ખરીદી નહીં, ભાજપ સરકાર ખેડૂતોને બજારમાં સસ્તું વેચવા મજબૂર કરે છે : સાગર રબારી AAP
  • ₹2,585ના ભાવનો દાવો ખોટો, ખેડૂતોને ₹300થી ₹585નું નુકસાન : સાગર રબારી AAP
  • 15 દિવસથી ખરીદી બંધ, શું ચૂંટણી ફંડ ભેગું કરવા માટે વેપારીઓને સમય અપાઈ રહ્યો છે? : સાગર રબારી AAP
  • જો ચૂંટણી ફંડ ભેગું કરવામાં આવી રહ્યું નથી, તો આવતી કાલથી જ ખરીદી કેન્દ્રો શરૂ કરો : સાગર રબારી AAP

આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે ભારત સરકારે વર્ષ 2026-27 માટે ઘઉંનો ટેકાનો ભાવ ₹2,585 જાહેર કર્યો હતો. એટલે કે 20 કિલોના એક મણના સાદા ગણિતમાં સમજીએ તો ભારત સરકારે ₹517 પ્રતિ મણનો ભાવ આપવાની જાહેરાત કરી હતી.

ખેડૂતોને હાલમાં બજાર ભાવ ₹400 થી ₹450 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યો છે, એટલે કે ₹2,000 થી લઈને ₹2,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યા છે. ભારત સરકારે જાહેર કરેલા ₹2,585ના ભાવ સાથે સરખામણી કરીએ તો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹300 થી લઈને ₹585 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં 14 ટકાનો વધારો થયો છે. કુલ ઘઉંનું વાવેતર 12,77,112 હેક્ટરમાં પિયત ઘઉં અને 26,061 હેક્ટરમાં બિનપિયત ઘઉં થયા છે. આ પ્રમાણે કુલ વાવેતર 13,03,172 હેક્ટરનું થયું છે.

જિલ્લાવાર આંકડા એગ્રિકલ્ચર ડિરેક્ટરની વેબસાઇટ પ્રમાણે જોઈએ તો સૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં 1,32,100 હેક્ટરમાં થયું છે, જુનાગઢ જિલ્લામાં 1,25,900 હેક્ટરમાં થયું છે અને અમદાવાદ જિલ્લામાં 1,20,400 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹300 થી ₹585 રૂપિયા સુધીનું નુકસાન કરાવવા પાછળ ભાજપનો ઈરાદો શું છે?

શું આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વેપારીઓ પાસેથી ચૂંટણી ફંડ ભેગું કરવા માટે આ સ્થિતિ ઉભી કરવામાં આવી છે? ખેડૂતોનુ શોષણ કરીને વેપારીઓના માધ્યમથી ખેડૂતોને જ ગાંઠિયા-ભજીયા ખવડાવવા માટે આ પૈસા ભેગા કરવામાં આવી રહ્યા છે? સરકારે 4 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે 19મી માર્ચ સુધી એક પણ ખરીદી કેન્દ્ર ક્યાંય શરૂ થયું નથી. વચ્ચેના 15 દિવસ વીતી ગયા છે.

AAP નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યુ હતુ કે તો શું આ વચ્ચેનો ગાળો ચૂંટણી ફંડ ભેગું કરવા માટે વેપારીઓને અપાઈ રહ્યો છે? વેપારીઓ ખેતરે ખેતરે ફરીને અથવા બજારમાં આવતા ઘઉંને સસ્તા ભાવે ખરીદી લે અને પછી એ જ ઘઉં કોઈકના સહારે ઊંચા ભાવે વેચીને કેટલાક વેપારીઓ, દલાલો અને ભાજપ ચૂંટણી ફંડ ભેગું તો નથી કરી રહ્યા ને? અને જો ચૂંટણી ફંડ ભેગું કરવામાં આવી રહ્યું નથી, તો આવતી કાલથી જ ખરીદી કેન્દ્રો શરૂ કરો, જેથી ખેડૂતોને આ મોંઘવારીમાં ખોટ ખાઈને પોતાની પરસેવાની કમાણી સસ્તામાં વેચવાની ફરજ ન પડે.

સંબંધિત પોસ્ટ્સ

જલ જીવન મિશનના દાવા પાણીમાં: ગુજરાતમાંથી હેન્ડપંપ બંધ હોવાની 1.34 લાખ ફરિયાદો, સરકારી દાવાઓની ખુલી પોલ

praxpatel

Home Loan Rates 2026: સરકારી કે પ્રાઈવેટ? કઈ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો ક્યાં તમારી EMI ઓછી આવશે

praxpatel

ગુજરાતમાં કુદરતનો પ્રકોપ: કચ્છમાં મિની વાવાઝોડું અને અમદાવાદમાં ધૂળની ડમરીઓ, જાણો ક્યાં કેટલો વરસાદ?

praxpatel