Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા અડાલજમાં સંતોનો મહાસંગમ: ૧૫ કરોડ હસ્તાક્ષર સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલને સુપરત કરાશે પ્રાર્થનાપત્ર

ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા અડાલજમાં સંતોનો મહાસંગમ: ૧૫ કરોડ હસ્તાક્ષર સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલને સુપરત કરાશે પ્રાર્થનાપત્ર
ગાંધીનગર: ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અને ‘રાજ્યમાતા’નો દરજ્જો અપાવવા તેમજ સમગ્ર દેશમાંથી ગૌહત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના અડાલજ ખાતે એક ભવ્ય ‘ગૌ સન્માન મહાસંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે. ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માનનો અધિકાર અપાવવાના આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત દેશભરમાંથી ૧૫ કરોડથી વધુ હસ્તાક્ષર એકત્ર કરવામાં આવ્યા હોવાનો દાવો આયોજકોએ કર્યો છે.

૧૫ કરોડ હસ્તાક્ષર સાથે સરકાર સમક્ષ મુકાશે આ ૩ મુખ્ય માંગણીઓ

આયોજકોના જણાવ્યા અનુસાર, દેશભરમાંથી એકત્ર કરાયેલા વિશાળ જનસમર્થન અને હસ્તાક્ષરો સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પ્રાર્થનાપત્ર સુપરત કરવામાં આવશે. આ સંમેલન દ્વારા ગૌભક્તો અને સંત સમાજ દ્વારા સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવશે:
  • રાષ્ટ્રમાતા અને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જો: ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’, ‘રાજ્યમાતા’, ‘રાષ્ટ્રીય દેવી’, ‘રાષ્ટ્રીય આરાધ્યા’, ‘રાષ્ટ્રીય ધરોહર’ અને ‘રાષ્ટ્રીય આધાર’ નો સત્તાવાર દરજ્જો આપવો.

  • સંશોધન અને વિશેષ અનુદાન: ગૌવંશના સંવર્ધન, રક્ષણ અને ગૌશાળાઓના યોગ્ય નિભાવ માટે સરકાર દ્વારા યોગ્ય સંશોધન અને પૂરતું અનુદાન (ગ્રાન્ટ) ફાળવવું.

  • સંપૂર્ણ ગૌહત્યા પ્રતિબંધ: સમગ્ર ભારતવર્ષમાં ગૌહત્યા પર કડક અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કેન્દ્રીય કાયદો અમલમાં મૂકવો.

૩૦૦ સંતો-મહંતો અને અંદાજે ૧ લાખ ગૌભક્તો ઉમટશે

અડાલજ ખાતે યોજાનારા આ ભવ્ય સમારોહમાં હરિદ્વારના સ્વામી અમૃતાનંદજી, પાટણના સ્વામી મુકુંદપ્રકાશજી, અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત જગતગુરુ દિલીપદેવાચાર્યજી અને જાણીતા કથાકાર રામેશ્વરબાપુ હરિયાણી સહિત ૩૦૦ જેટલા સાધુ-સંતો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકોના મતે, રાજ્યભરમાંથી અંદાજે એક લાખ જેટલા ગૌભક્તો આ મહાસંમેલનમાં ઉમટી પડશે.

સંબંધિત પોસ્ટ્સ

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

praxpatel

આધાર કાર્ડમાં નામ સુધારવાના નિયમો વધુ કડક: UIDAI દ્વારા નવી SOP જાહેર, જાણો કયા સંજોગોમાં કયું એફિડેવિટ આપવું પડશે

praxpatel

‘મને દિલ્હી એરપોર્ટ પર લંડન જતા અટકાવી દેવામાં આવ્યો…’, CJP નેતા સૌરવ દાસનો સરકાર પર ગંભીર આરોપ; જાણો સમગ્ર વિવાદ

praxpatel