નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતા સૌરવ દાસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે તેમને દિલ્હી એરપોર્ટ પર લંડન જતા અટકાવી દેવામાં આવ્યા છે. સૌરવ દાસના જણાવ્યા અનુસાર, તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં ‘કોકરોચ આંદોલન’ પર વ્યાખ્યાન આપવા માટે લંડન જઈ રહ્યા હતા, પરંતુ રાત્રે ૧ વાગ્યાની ફ્લાઇટમાં બેસતા પહેલાં ઇમિગ્રેશન તપાસ દરમિયાન તેમને રોકી લેવામાં આવ્યા હતા.
‘આ બુદ્ધિજીવી-વિરોધી સરકાર મારા જવાથી ડરી ગઈ’: સૌરવ દાસ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટ્વીટ કરીને સૌરવ દાસે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, “આ કાયર સરકારે મને દિલ્હી એરપોર્ટ પર રોકી લીધો, જ્યારે હું ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે લંડન જઈ રહ્યો હતો. મને ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ, LSE અને એડિનબર્ગ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી ‘કોકરોચ મૂવમેન્ટ’ પર બોલવા માટે આમંત્રણ મળ્યું હતું. ભારતીય વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમોના આયોજનમાં પોતાનો જીવ રેડી દીધો હતો, પરંતુ આ ‘બુદ્ધિજીવી-વિરોધી’ સરકાર મારા આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં જવાથી ડરી ગઈ.”
CJP ના સ્થાપક અભિજીત દીપકે અને આશુતોષ રાંકાનો તીખો કટાક્ષ
સૌરવ દાસના આ દાવા બાદ કોકરોચ જનતા પાર્ટીના અન્ય નેતાઓએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. CJP ના સ્થાપક અભિજીત દીપકેએ કટાક્ષ કરતા કહ્યું કે, “કાશ સૌરવે કોઈ બેંક લૂંટી હોત કે કોઈ નાણાકીય છેતરપિંડી કરી હોત, તો સરકારે તેને ચોક્કસ લંડન જવાની મંજૂરી આપી દીધી હોત.” જ્યારે પાર્ટીના અન્ય નેતા આશુતોષ રાંકાએ જણાવ્યું કે, “માત્ર દુનિયાના સૌથી ‘તેજ દિમાગ’ ધરાવતા લોકો જ નીરવ મોદીને ભાગી જવા દઈ શકે છે, પરંતુ સૌરવને વિદેશ જતા રોકી શકે છે.”
ગત મહિને જંતર-મંતર પ્રદર્શન મામલે તિહાડ જેલમાંથી મળ્યા હતા જામીન
ઉલ્લેખનીય છે કે સૌરવ દાસ થોડા સમય પહેલાં જ તિહાડ જેલમાંથી બહાર આવ્યા હતા. ગત ૧૩ ઓક્ટોબરના રોજ જંતર-મંતર વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશવાના આરોપસર સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત (પ્રિવેન્ટિવ અરેસ્ટ) કરવામાં આવી હતી. ન્યાયિક કસ્ટડી બાદ ૨૧ ઓક્ટોબરે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે ₹૫૦-૫૦ હજારના અંગત મુચરકા અને જામીન બોન્ડ પર બંનેની મુક્તિનો આદેશ આપ્યો હતો. તે સમયે બંને નેતાઓએ કોર્ટમાં શાંતિ ભંગ ન કરવા, ન્યાયપાલિકામાં વિશ્વાસ રાખવા, જંતર-મંતર પર પ્રદર્શનનું આહ્વાન ન કરવા અને ભવિષ્યના તમામ આંદોલનો બંધારણની મર્યાદામાં રહીને કરવાની લેખિત ખાતરી આપી હતી.
