Gujarat Plus
ગુજરાત

અડાલજમાં ₹૧૦૧ કરોડના ખર્ચે બનશે બ્રહ્મભવન: ચીમનભાઈ અગ્રવાલ પરિવારે ₹૫૦ કરોડની જમીન અને ₹૧ કરોડ રોકડનું દાન કર્યું

અડાલજમાં ₹૧૦૧ કરોડના ખર્ચે બનશે બ્રહ્મભવન: ચીમનભાઈ અગ્રવાલ પરિવારે ₹૫૦ કરોડની જમીન અને ₹૧ કરોડ રોકડનું દાન કર્યું
ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગરની મધ્યમાં આવેલા અડાલજ ખાતે બ્રહ્મસમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષ માટે ₹૧૦૧ કરોડના માતબર ખર્ચે એક ભવ્ય અને અત્યાધુનિક ‘બ્રહ્મભવન’ નું નિર્માણ કરવામાં આવનાર છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ૫,૦૦૦ ચોરસ વાર જમીન પર ૧૨ માળનું સુવિધાજનક સંકુલ તૈયાર કરવામાં આવશે, જે સમાજની ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી કેન્દ્ર બની રહેશે.

અગ્રવાલ પરિવારનું ₹૫૦ કરોડની જમીન અને ₹૧ કરોડ રોકડનું અમૂલ્ય દાન

આ ભગીરથ કાર્ય માટે અડાલજના જાણીતા જમીન માલિક ચીમનભાઈ અગ્રવાલ પરિવાર દ્વારા અત્યંત ઉદારદિલી દાખવવામાં આવી છે. પરિવારે અડાલજ ખાતે અંદાજે ₹૫૦ કરોડથી વધુની કિંમતની ૫,૦૦૦ ચોરસ વાર NA થયેલી મોકાની જમીન ઉપરાંત ₹૧ કરોડ રોકડનું દાન બ્રહ્મભવનના નિર્માણ અર્થે અર્પણ કર્યું છે. તાજેતરમાં યોજાયેલા ભૂમિ ગ્રહણ સમારંભમાં ચીમનભાઈ અગ્રવાલ પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ માટે આધુનિક કુમાર-કન્યા છાત્રાલયની વ્યવસ્થા

બ્રહ્મભવનના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂદેવ દીકરા અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક વિકાસનો છે. આ સંકુલમાં બહારગામથી ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે અલાયદા કુમાર અને કન્યા છાત્રાલય (હોસ્ટેલ) ની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત, યુવાનો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે લાઇબ્રેરી અને તાલીમ સહિતની આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

₹૫૦ કરોડનું દાન એકત્ર કરવા આગેવાનો કટિબદ્ધ: ડો. જગદીશ ત્રિવેદી

બ્રહ્મભવનના ફાઉન્ડર ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભૂમિ ગ્રહણ સમારંભમાં વધુ ₹૨.૫ કરોડનું દાન જાહેર થતાં અત્યાર સુધી એકત્ર થયેલા દાનનો આંકડો ₹૧૨.૫ કરોડને પાર પહોંચી ગયો છે. આ ભવન માટે ₹૧ કરોડ, ₹૫૦ લાખ અને ₹૨૫ લાખ એમ ત્રણ કેટેગરીમાં જ દાન સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે, જેના દ્વારા કુલ ₹૫૦ કરોડનું ભંડોળ એકત્ર કરવા બ્રહ્મ આગેવાનો કટિબદ્ધ છે.
આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, સાંસદ રાજેન્દ્ર શુક્લા, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ધારાસભ્ય અમિત ઠાકર, ડો. ભરત પંડ્યા, કોંગ્રેસ અગ્રણી જગત શુક્લા તેમજ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ સહિતના રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં આગામી 7 દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

praxpatel

અમદાવાદમાં લવ જેહાદનો ખૌફનાક ખેલ: સગીરાઓના નકલી આધારકાર્ડ બનાવી હોટલમાં લઈ જવાનું ષડયંત્ર, ૩ વિધર્મી જેલભેગા

praxpatel

બીજા લગ્ન કરનાર પતિને માસિક ₹50,000 ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ

praxpatel