Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ખેડૂતોને દાઝ્યા પર ડામ: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સહાય તો ન આપી પણ વીજ કંપનીઓએ લાખ-દોઢ લાખનો વીજ દંડ ફટકાર્યો

ખેડૂતોને દાઝ્યા પર ડામ: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સહાય તો ન આપી પણ વીજ કંપનીઓએ લાખ-દોઢ લાખનો વીજ દંડ ફટકાર્યો
જામનગર/દ્વારકા: સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં દુષ્કાળની કપરી પરિસ્થિતિ વચ્ચે જગતનો તાત ભારે આર્થિક સંકડામણમાં મુકાયો છે. એક તરફ આ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર તંગી છે, તો બીજી તરફ વીજ કંપનીઓ દ્વારા ખેડૂતો પર દમન ગુજારવાનું શરૂ કરાયું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ખેતરોમાં પાણી ન હોવા છતાં વીજ તંત્ર દ્વારા ખેડૂતોને લાખ-દોઢ લાખ રૂપિયા સુધીના વીજ દંડ ફટકારવામાં આવતા ધરતીપુત્રો માટે ‘દાઝ્યા પર ડામ’ જેવી સ્થિતિ સર્જાઈ છે.

દુષ્કાળની જાહેરાતના એક મહિના બાદ પણ ખાતામાં ફૂટી કોડી જમા ન થઈ

રાજ્ય સરકાર દ્વારા દિવાળીના સમયે (ઓક્ટોબરના અંતમાં) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને હેક્ટર દીઠ ₹૮,૫૦૦ ની પાક નુકસાની સહાય સહિતના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ જાહેરાતને એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ જમા થઈ નથી.
ખેડૂતોનો આરોપ છે કે સરકારે દુષ્કાળ સહાયના નામે માત્ર લોલીપોપ આપી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના પ્રશ્નો ઉકેલવાને બદલે સરકાર અને સત્તાધારી પક્ષના નેતાઓ સ્નેહમિલન અને અન્ય રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાણે રેઢા મુકાયા હોય તેવો ઘાટ સર્જાયો છે.

સિંચાઈના પાણી વિના શિયાળુ પાક મુશ્કેલ, ઉપરથી વીજ દરોડાનો માર

અપૂરતા વરસાદને કારણે આ વિસ્તારોમાં શિયાળુ સિઝનમાં પાક લેવો અત્યંત મુશ્કેલ બન્યો છે અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ વિકટ બની છે. આવી કફોડી હાલતમાં વીજ કંપનીઓની ટીમો દ્વારા ખેતરો અને વાડીઓ પર દરોડા પાડીને ખેડૂતોના બિલ પર લાખ-દોઢ લાખ રૂપિયાના દંડ ફટકારવામાં આવી રહ્યા છે. ખેડૂતોમાં સવાલ ઉઠ્યો છે કે જ્યારે દુષ્કાળને કારણે ખેતી નિષ્ફળ ગઈ છે, ત્યારે હજારો-લાખો રૂપિયાના વીજ બિલ અને દંડ કેવી રીતે ભરવા?
પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપના પ્રતિનિધિઓ સત્તા પર હોવા છતાં ખેડૂતોના આ ગંભીર પ્રશ્ને કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવવા તૈયાર ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ છે. ધરતીપુત્રોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક સહાય ચૂકવવામાં નહીં આવે અને વીજ દંડની પજવણી બંધ નહીં થાય, તો આગામી ચૂંટણીમાં તેનો પૂરો હિસાબ લેવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

સલમાન ખાન પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, ‘કાળા હિરણ: બેટલ ફોર લેગસી’ની રિલીઝ રોકવાની માંગ; પ્રોડ્યુસરે કહ્યું- ફિલ્મ હજુ તૈયાર જ નથી

praxpatel

બિહાર પેટાચૂંટણી: બાંકીપુર બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાયા, અભિષેક બંટીની જગ્યાએ નીરજ સિંહા મેદાનમાં

praxpatel

પશ્ચિમ બંગાળના ‘એન્ટી ગુંડા બિલ’ પર મોટો રાજકીય વિવાદ: રાષ્ટ્રપતિએ પરત મોકલ્યાના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કર્યો ઈનકાર

praxpatel