Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 12,752 અને PSIની 241 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર

ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 12,752 અને PSIની 241 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર

ગાંધીનગર: ગુજરાત પોલીસ દળમાં જોડાઈને સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા રાજ્યના લાખો યુવાનો માટે અત્યંત મહત્ત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની અગાઉ જાહેર કરાયેલી ૩,૦૦૦ જગ્યાઓમાં મોટો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આ નિર્ણય બાદ હવે લોકરક્ષક કેડરમાં કુલ ૧૨,૭૫૨ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની ૨૪૧ જગ્યાઓ માટે પણ સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે. આમ, બંને કેડર મળીને ગુજરાત પોલીસમાં કુલ ૧૨,૯૯૩ જગ્યાઓ ભરવામાં આવશે.

૨૩ નવેમ્બરે સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરાઈ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગાઉ ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે પ્રાથમિક જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા વધારાની જગ્યાઓને મંજૂરી આપવામાં આવતાં ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા ૨૩ નવેમ્બરના રોજ સુધારેલી જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે.

PSI કેડરની ૨૪૧ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત

લોકરક્ષક કેડરની સાથે-સાથે PSI કેડરમાં પણ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરની કુલ ૨૪૧ જગ્યાઓ ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (ગ્રેજ્યુએશન) ની ડિગ્રી હોવી અનિવાર્ય છે. આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે.

અરજી અને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ

લોકરક્ષક કેડરની જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યા બાદ અગાઉની ભરતીની અન્ય તમામ સૂચનાઓ યથાવત્ રાખવામાં આવી છે. અરજી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ અને આગળની સૂચનાઓ માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gprb.gujarat.gov.in) તથા OJAS (ojas.gujarat.gov.in) પર સતત નજર રાખવાની રહેશે. કુલ ૧૨,૯૯૩ જગ્યાઓની આ મેગા ભરતીથી પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

શું વીજળીના કરંટથી પકડાશે એલિયન્સ? હવે રોકેટ નહીં પણ આ નાનકડી નેનો-ચિપ કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી!

praxpatel

સુરતમાં સામૂહિક આપઘાત,પૈસાની ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીધી

aminparmar

‘પીએમ મોદીથી આટલો જ પ્રેમ છે તો વિદેશમાં કેમ રહો છો?’, વિવેક ઓબેરોય અને માધવન પર રાજ ઠાકરેના તીખા પ્રહારો

praxpatel