KYC :અમદાવાદ: દેશમાં અત્યારે મોટાભાગના ઘરોમાં રસોઈ માટે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે અને મોટાભાગના ગ્રાહકો ઓનલાઇન માધ્યમથી ગેસ બુકિંગ કરાવે છે. ગ્રાહકોની આ આદતનો લાભ ઉઠાવીને હવે સાયબર ઠગોએ છેતરપિંડી કરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. અત્યાર સુધી બેંકની નકલી લિંક, લોટરી કે ઈનામની લાલચ આપીને ઠગાઈ કરનારા સાયબર અપરાધીઓ હવે ગેસ સિલિન્ડર બુકિંગ અને સબસિડીના નામે લોકોને નિશાન બનાવી રહ્યા છે.
કેવી રીતે આચરવામાં આવે છે ગેસ સબસિડી અને KYC ના નામે ઠગાઈ?
સાયબર ઠગો ગ્રાહકોને ફોન કરીને પોતાની ઓળખ ગેસ એજન્સીના કર્મચારી તરીકે આપે છે અને વિશ્વાસમાં લે છે. ત્યારબાદ તેઓ ગ્રાહકને એવો ડર બતાવે છે કે જો તાત્કાલિક KYC અપડેટ કરવામાં નહીં આવે તો ગેસ કનેક્શન બંધ થઈ જશે અથવા ગેસની સબસિડી મળતી બંધ થઈ જશે.
આ ડર બતાવીને ઠગો ગ્રાહકના મોબાઈલ પર SMS કે વોટ્સએપ દ્વારા એક નકલી લિંક અથવા જોખમી APK ફાઈલ મોકલે છે. ગ્રાહક જેવો આ લિંક પર ક્લિક કરે છે અથવા ફાઈલ ડાઉનલોડ કરે છે, કે તુરંત તેના મોબાઈલ અને બેંક ખાતાની ગુપ્ત વિગતો સાયબર ઠગો પાસે પહોંચી જાય છે અને ગણતરીની મિનિટોમાં બેંક ખાતું ખાલી થઈ શકે છે.
સાયબર ઠગાઈથી બચવા માટે શું કરવું અને શું ન કરવું?
ઓનલાઇન ગેસ સિલિન્ડર બુક કરાવતી વખતે કે સબસિડી સંબંધિત કોઈ પણ સંદેશ મળે ત્યારે ગ્રાહકોએ નીચે મુજબની સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે:
અજાણ્યા નંબર પરથી આવતા કોઈ પણ મેસેજમાં રહેલી લિંક પર ભૂલથી પણ ક્લિક કરવું નહીં અને વોટ્સએપમાં આવતી કોઈ પણ અજાણી APK ફાઈલ ડાઉનલોડ કરવી નહીં. ગેસ એજન્સીના કર્મચારીના નામે આવતા અજાણ્યા ફોન કોલ્સ પર વિશ્વાસ ન કરવો અને હંમેશા ગેસ કંપનીની સત્તાવાર એપ્લિકેશન, વેબસાઇટ અથવા નજીકની ગેસ એજન્સીની રૂબરૂ મુલાકાત લઈને જ KYC અપડેટ કરાવવું.
આ ઉપરાંત, કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે તમારો OTP, ATM પિન કે કાર્ડનો CVV નંબર ક્યારેય શેર કરવો નહીં. તેમ છતાં જો તમને લાગે કે તમારી સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ ગઈ છે, તો જરા પણ સમય બગાડ્યા વિના તુરંત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી નાણાં પરત મેળવવાની પ્રક્રિયા ઝડપથી થઈ શકે.
