દિલ્હીમાં દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે એક પરિવારમાં કાળો માતમ છવાઈ ગયો છે. રાજધાનીના નરેલા વિસ્તારમાં આવેલી રાજીવ કોલોનીમાં ફટાકડા ફોડતી વખતે સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં ૧૦ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આકાશમાં જવાને બદલે સીધું પેટમાં આવીને વાગેલા સળગતા રોકેટના કારણે બાળક ગંભીર રીતે દાઝી ગયું હતું. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે દિવાળીની પરંપરાગત લક્ષ્મી પૂજા અને ધાર્મિક વિધિ સંપન્ન કર્યા બાદ ઘરના તમામ સભ્યો ઉત્સાહભેર ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન છોડવામાં આવેલું એક રોકેટ દિશા ભટકી ગયું હતું અને આકાશ તરફ ઉડવાને બદલે સીધું ત્યાં હાજર ૧૦ વર્ષના બાળકના પેટમાં ધડાકાભેર વાગ્યું હતું. રોકેટ સીધું શરીર સાથે અથડાઈને ફાટતાં બાળકના પેટનો ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો અને ભારે રક્તસ્રાવ શરૂ થયો હતો.
અકસ્માત સર્જાતાં જ પરિવારજનો ગભરાયેલી હાલતમાં બાળકને લઈને નજીકની હોસ્પિટલ દોડી ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના અકાળે અવસાનથી આઘાતમાં સરી પડેલા પરિવારે હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સ્વજનોએ હોસ્પિટલના સ્ટાફ અને તબીબો પર સમયસર યોગ્ય સારવાર ન આપવાનો તેમજ ઘોર બેદરકારી દાખવવાનો આરોપ મૂકી ભારે હોબાળો મચાવ્યો હતો. તહેવારના પવિત્ર દિવસે જ બનેલી આ કમનસીબ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે.
