ગુજરાતમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની લંબાણપૂર્વકની કવાયત બાદ મતદાર યાદીમાંથી મોટા પાયે નામો રદ થવાને લઈને સર્જાયેલા ભારે વિવાદ બાદ ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે. મતદારોની જાણ બહાર જ બારોબાર ફોર્મ-૭ ભરીને લાખો નામો કમી કરી દેવાયાના ગંભીર આક્ષેપો અને અન્ય રાજ્યોમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે ઊભા થયેલા વિરોધવંટોળ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે.
મતદાર યાદીમાંથી છૂટી ગયેલા લાયક મતદારોના નામો ફરી ઉમેરવા અને નવા મતદારોને સામેલ કરવા માટે રાજ્યભરમાં વિશેષ સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કવાયત અંતર્ગત ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બર એમ ચાર રવિવારે રાજ્યના તમામ મતદાન મથકો પર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસરો (BLO) ની ઉપસ્થિતિમાં વિશેષ કેમ્પ યોજાશે, જ્યાં નાગરિકો પોતાના દાવા-વાંધાની અરજીઓ રજૂ કરી શકશે.
ગુજરાતમાં SIR નું ગણિત (કુલ આંકડાકીય વિશ્લેષણ)
રાજ્ય સ્તરે હાથ ધરાયેલી આ કવાયતમાં મોટા પાયે મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે:
| તબક્કો | મતદારોની સંખ્યા |
|---|---|
| ‘SIR’ પહેલાંની સ્થિતિ |
૫,૦૮,૪૩,૪૩૬ |
| ડ્રાફ્ટ તબક્કે થયેલો ઘટાડો |
૭૩,૭૩,૩૨૭ |
| ડ્રાફ્ટ યાદી |
૪,૩૪,૭૦,૧૦૯ |
| ડ્રાફ્ટ બાદ થયેલો ઉમેરો |
૯,૫૬,૧૨૧ |
| ડ્રાફ્ટ બાદ રદ થયેલા નામ |
૩,૯૫,૫૫૫ |
| અંતિમ મતદાર યાદી |
૪,૪૦,૩૦,૭૨૫ |
| પહેલાં કરતાં કુલ ચોખ્ખો ઘટાડો |
૬૮,૧૨,૭૧૧ |
મુખ્ય જિલ્લાઓમાં SIR પહેલાં અને પછીની સ્થિતિ
રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં મતદારોની સંખ્યામાં થયેલી વધ-ઘટની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
| જિલ્લો | જૂના મતદારો | ઘટાડો | ઉમેરો | હાલના મતદારો |
|---|---|---|---|---|
| અમદાવાદ |
૬૨,૫૯,૬૨૦ |
૪૭,૬૨૭ |
૧,૫૩,૨૩૪ |
૪૯,૧૨,૫૪૮ |
| સુરત |
૪૮,૭૩,૫૧૨ |
૮૫,૭૩૪ |
૧,૦૧,૫૭૮ |
૩૬,૩૯,૦૪૨ |
| વડોદરા |
૨૬,૮૯,૧૧૭ |
૧૨,૧૮૦ |
૪૭,૦૭૦ |
૨૨,૨૦,૦૯૫ |
| રાજકોટ |
૨૩,૯૧,૦૨૭ |
૨૦,૦૯૬ |
૫૩,૫૧૭ |
૨૦,૮૮,૭૭૯ |
| ગાંધીનગર |
૧૩,૮૯,૭૧૨ |
૭,૮૮૩ |
૨૯,૧૧૬ |
૧૧,૯૫,૧૫૯ |
| બનાસકાંઠા |
૨૬,૨૪,૯૫૨ |
૨૧,૭૧૦ |
૩૩,૫૦૪ |
૧૬,૧૫,૧૦૨ |
| ભાવનગર |
૧૮,૬૬,૯૩૭ |
૧૦,૧૧૦ |
૪૦,૦૭૪ |
૧૬,૬૭,૯૪૫ |
| આણંદ |
૧૮,૧૨,૩૨૭ |
૧૪,૪૬૬ |
૨૩,૧૦૬ |
૧૫,૮૯,૧૮૭ |
| ખેડા |
૧૬,૫૫,૦૬૨ |
૯,૬૬૦ |
૨૮,૫૩૮ |
૧૪,૮૧,૨૩૮ |
| દાહોદ |
૧૬,૯૩,૦૦૨ |
૭,૨૪૪ |
૨૧,૩૨૮ |
૧૫,૨૬,૮૫૭ |
| કચ્છ |
૧૬,૯૦,૫૩૪ |
૧૩,૪૧૯ |
૩૨,૭૯૫ |
૧૪,૯૫,૭૮૫ |
| મહેસાણા |
૧૭,૯૧,૯૦૫ |
૭,૬૧૪ |
૩૨,૬૫૫ |
૧૬,૨૨,૫૩૭ |
| સુરેન્દ્રનગર |
૧૪,૮૧,૬૯૧ |
૨૧,૪૧૫ |
૨૧,૩૧૬ |
૧૩,૪૪,૮૬૦ |
| જૂનાગઢ |
૧૩,૦૦,૩૪૪ |
૮,૮૦૮ |
૨૯,૮૨૨ |
૧૧,૭૦,૪૦૯ |
| ભરૂચ |
૧૩,૧૦,૬૦૦ |
૧૩,૬૧૮ |
૨૦,૯૮૮ |
૧૧,૦૨,૭૯૦ |
| જામનગર |
૧૨,૪૧,૦૯૭ |
૬,૭૮૯ |
૨૮,૨૦૧ |
૧૦,૮૫,૦૩૨ |
શું હતો સમગ્ર વિવાદ?
ડિસેમ્બર ૨૦૨૫ માં શરૂ કરાયેલી SIR પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચે બેવડાં (ડુપ્લિકેટ), ગેરહાજર, કાયમી સ્થળાંતરિત અને મૃત્યુ પામેલા હોવાના આધારે લાખો મતદારોના નામ યાદીમાંથી કમી કર્યા હતા. જોકે, અનેક વિસ્તારોમાંથી વ્યાપક ફરિયાદો ઊઠી હતી કે વાસ્તવિક અને કાયદેસરના મતદારોની જાણ બહાર જ બારોબાર ફોર્મ-૭ ભરીને તેમના મતાધિકાર છીનવી લેવાયા હતા.
હવે જ્યારે વિરોધ પક્ષો અને નાગરિકો તરફથી ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે ચૂંટણી પંચે જૂની અને નવી યાદીઓની સરખામણી કરી યોગ્ય મતદારોના નામોની પુનઃ નોંધણી સુનિશ્ચિત કરવા સમગ્ર વહીવટીતંત્રને કામે લગાડ્યું છે.
