WTC : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ના પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સીરીઝના પ્રથમ મુકાબલામાં ૯ વિકેટે એકતરફી જીત નોંધાવતા જ સાઉથ આફ્રિકાની ટીમ ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ વર્તમાન ચક્રમાં રમેલી ૮ ટેસ્ટમાંથી ૬ માં વિજય મેળવીને ૭૫.૦૦ PCT હાંસલ કર્યા છે, જ્યારે ભારતીય ટીમ ૫૧.૫૨ PCT સાથે ચોથા ક્રમે યથાવત છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) નું તાજું પોઈન્ટ્સ ટેબલ
પ્રથમ ટેસ્ટનો રોમાંચ: એકરમેનની સદી અને સાયમન હાર્મરની ૬ વિકેટ
પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં ૪૦૦ રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ એક સમયે ૩૭૬ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ માર્કેસ એકરમેનની ૧૫૭ રનની શાનદાર સદી તેમજ રયાન રિકેલ્ટન અને કગિસો રબાડાની ઉપયોગી બેટિંગની મદદથી સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૫૫૭ રન બનાવી ૧૫૭ રનની નિર્ણાયક લીડ મેળવી હતી.
બીજા દાવમાં બાંગ્લાદેશની ટીમ સાઉથ આફ્રિકાના બોલરો સામે ટકી શકી નહોતી. સ્પિનર સાયમન હાર્મરે ૬ વિકેટ અને કગિસો રબાડાએ ૩ વિકેટ ઝડપતા બાંગ્લાદેશ માત્ર ૧૬૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જીત માટે મળેલા ૧૨ રનના સામાન્ય લક્ષ્યાંકને સાઉથ આફ્રિકાએ ૧ વિકેટ ગુમાવીને હાંસલ કરી સીરીઝમાં ૧-૦ ની સરસાઈ મેળવી લીધી છે.
