Gujarat Plus
ગુજરાત

Banaskantha Water Crisis: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રી સ્વરૂપજી ઠાકોરની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાયા!

Banaskantha Water Crisis: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રી સ્વરૂપજી ઠાકોરની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાયા!

ગુજરાતના સરહદી વિસ્તાર ગણાતા વાવ, થરાદ અને સુઇગામ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ જળ સંકટ અત્યન્ટ ઘેરૂ બન્યું છે. એક તરફ આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી રહી છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી ‘નળ સે જળ’ યોજના હેઠળના નળ બિલકુલ સુકાભઠ્ઠ થઈ ગયા છે. સરહદી વિસ્તારના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે.


૨ મહિનાથી પાણી માટે વલખા મારતા ગ્રામજનો

ભારત-પાકિસ્તાન સરહદે આવેલા સુઇગામ તાલુકાના રડોસણ અને મેઘપુરા જેવા છેવાડાના ગામોમાં છેલ્લા બે મહિનાથી પાઇપલાઇનમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.

  • મહિલાઓની પરેશાની: ગામડાની મહિલાઓ ધોમધખતા તાપમાં કલાકો સુધી નળ પાસે પાણીની આશાએ બેસી રહે છે. હેન્ડપંપો પણ હવે જવાબ આપી ગયા છે.

  • ટેન્કરો અપૂરતા: તંત્ર દ્વારા મોકલવામાં આવતા એકાદ-બે ટેન્કરો આટલા મોટા ગામ માટે ઊંટના મોઢામાં જીરૂ સમાન સાબિત થઈ રહ્યા છે.

  • પશુઓની દયનીય સ્થિતિ: પૂરતું પાણી ન મળવાને કારણે ગ્રામજનોની સાથે-સાથે પશુપાલકો અને અબોલ પશુઓની હાલત પણ કફોડી બની છે.


મંત્રી સ્વરૂપજી ઠાકોરની કડક સૂચનાઓ માત્ર કાગળ પર!

હજુ બે દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પાણીની સમસ્યા અંગે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

બેઠકનું પરિણામ શૂન્ય: આ બેઠકમાં બેદરકાર એજન્સીઓને ભારે ખખડાવવામાં આવી હતી અને કડક કાર્યવાહીની ચીમકીઓ પણ અપાઈ હતી. પરંતુ મંત્રીની આ કડક સૂચનાઓ માત્ર સરકારી કાગળો પર જ સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ આજે પણ જૈસે-થે જ છે.


એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ સામે જનઆક્રોશ

ગ્રામજનોનો આરોપ છે કે, જવાબદાર અધિકારીઓ બધી જ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે હવે કાગળ પરની સમીક્ષા બેઠકો બંધ થાય અને તાત્કાલિક પાઇપલાઇન દ્વારા છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે.

સંબંધિત પોસ્ટ્સ

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મેળો શરૂ: લાખો માઈભક્તો માટે પાર્કિંગ, શેલ્ટર અને ફ્રી ભોજન સહિતની વ્યાપક સુવિધાઓ

praxpatel

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત: હવે સમગ્ર ગુજરાતમાં ચાલશે એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’

praxpatel

હોળી પછીના ઘઉં કેમ ગણાય છે સૌથી શ્રેષ્ઠ? દાણાપીઠના વેપારીઓએ ખોલ્યું રહસ્ય

aminparmar