આત્મહત્યા,: તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાંથી રમતગમત જગતને હચમચાવી દેનારા અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ બીસીસીઆઈ (BCCI) ની અંડર-૧૯ મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલી પ્રતિભાશાળી યુવા ક્રિકેટર નંદિનીએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. મૂળ વિકારાબાદ જિલ્લાના યલાલ મંડળના સંગયાપલ્લી ગામની વતની અને હાલ મધુ કોલોનીમાં નાનીના ઘરે રહીને અભ્યાસ તથા ક્રિકેટની તાલીમ મેળવતી નંદિનીના અચાનક અવસાનથી સમગ્ર પરિવાર અને ક્રિકેટ વર્તુળોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
પ્રેમ સંબંધના નામે હેરાનગતિનો પરિવારનો ગંભીર આક્ષેપ
આ કરૂણ ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનો અને સગા-સંબંધીઓએ રસ્તા પર ઉતરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, અનિલ નામનો યુવક છેલ્લા કેટલાક દિવસોથી પ્રેમ સંબંધના નામે નંદિનીનો સતત પીછો કરતો હતો અને તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો, જ્યારે કૃષ્ણા નામના અન્ય શખ્સે આ કામમાં તેને સાથ આપ્યો હતો. આ બંને યુવકોના સતત ત્રાસથી કંટાળીને જ નંદિનીએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરીને પરિવારજનોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોબાઈલ ફોન જપ્ત કરી પોલીસ દ્વારા ફોરેન્સિક તપાસ શરૂ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શુક્રવારે સવારે નંદિનીએ પંખાના હુક સાથે ચુન્ની બાંધીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદ મોતનો ગુનો નોંધીને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો છે. સર્કલ ઇન્સ્પેક્ટર રઘુએ પુષ્ટિ કરી છે કે નંદિનીનો મોબાઈલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે તેમજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો ચકાસીને દોષિતો સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.
