Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

સુરતના હીરા વેપારી ધીરુ રામાણીનો અલ કાયદાની કેદમાંથી છુટકારો: ₹44 કરોડની ખંડણી ચૂકવાઈ

સુરતના હીરા વેપારી ધીરુ રામાણીનો અલ કાયદાની કેદમાંથી છુટકારો: ₹44 કરોડની ખંડણી ચૂકવાઈ

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણી આખરે 3 મહિના બાદ હેમખેમ મુક્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અપહરણકારોએ શરૂઆતમાં 100 કરોડ રૂપિયાની મોટી માંગણી કરી હતી. પરંતુ અંતે 4 મિલિયન યુરો એટલે કે આશરે ₹44 કરોડની જંગી ખંડણી ચૂકવ્યા બાદ તેમનો છુટકારો થયો છે.

સોનાના પ્રોજેક્ટ માટે માલી ગયા હતા

75 વર્ષીય ઉદ્યોગપતિ ધીરુ રામાણી બે વર્ષ પહેલાં એક મોટા ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ માટે માલી શિફ્ટ થયા હતા. માલીમાં ધીરુ રામાણીની સાથે તેમના રસોઈયા અને ઇલેક્ટ્રિશિયનનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોએ તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે આ અપહરણ કોઈ સ્થાનિક ગુનેગારોએ નહીં, પરંતુ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા કટ્ટરપંથી જૂથે કર્યું હતું.

સરકારી મદદ વિના પરિવારે જ કર્યો સોદો

રામાણી પરિવારના એક નજીકના સંબંધીએ જણાવ્યું કે વડીલના સુરક્ષિત પુનરાગમન માટે આખી પ્રક્રિયા પરિવારે જ સંભાળી હતી. આ સોદામાં કોઈ સરકારી એજન્સીની મદદ લેવાઈ નથી. અપહરણકારોએ ધીરુ રામાણી અને અન્ય બે ભારતીયો જીવિત હોવાની સાબિતી આપવા માટે એક વીડિયો કોલ કરાવ્યો હતો. તેના આધારે જ આ આખી ડીલ ફાઇનલ થઈ હતી.

વૈશ્વિક સ્તરે મોટું નામ છે ધીરુ રામાણી

ધીરુ રામાણી આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. તેઓ ‘રામાણી એક્સપોર્ટ’ નામે ડાયમંડ ફેક્ટરી ચલાવે છે. આ સિવાય ન્યૂયોર્કમાં ‘CBD ડાયમંડ એન્ડ જ્વેલરી’ ના નામે તેમના શો-રૂમ્સ આવેલા છે. હાલ તેમનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયેલો છે અને તેમના પુત્રો અમેરિકન નાગરિક છે.

આ ઘટનાને પગલે આફ્રિકન દેશોમાં બિઝનેસ અને રોકાણ કરનારા સુરતના વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

સંબંધિત પોસ્ટ્સ

NRI પાસેથી મિલકત ખરીદનારાઓ માટે સરકારે નિયમ કર્યો સરળ: હવે TAN નંબર લેવાની ઝંઝટમાંથી મુક્તિ, CBDT ના નવા નિયમો

praxpatel

ગુજરાતમાં કુદરતનો પ્રકોપ: કચ્છમાં મિની વાવાઝોડું અને અમદાવાદમાં ધૂળની ડમરીઓ, જાણો ક્યાં કેટલો વરસાદ?

praxpatel

વડોદરા: ડભોઈમાં હાઈવોલ્ટેજ ડ્રામા! ભાજપ ધારાસભ્ય શૈલેષ સોટાને કોંગ્રેસ કાર્યકરોએ ધક્કે ચઢાવ્યા

praxpatel