rich dad poor dad : વૈશ્વિક બજારોમાં હાલ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ક્રિપ્ટોકરન્સી બજારમાં પણ બિટકોઇન ગગડ્યો છે. બજારની આ ભારે ઉથલપાથલ વચ્ચે વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક અને જાણીતા નાણાકીય નિષ્ણાત રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બે મહત્ત્વપૂર્ણ પોસ્ટ શેર કરીને રોકાણકારોને ખાસ બોધપાઠ આપ્યો છે.
માર્કેટ ક્રેશ સારો કે ખરાબ?
રોબર્ટ કિયોસાકીએ 20 નવેમ્બર 2026ના રોજ X પર કરેલી પોસ્ટમાં સવાલ ઉઠાવ્યો કે આ ક્રેશ સારો છે કે ખરાબ? તેમણે લખ્યું હતું કે સોનું, ચાંદી અને બિટકોઇન ક્રેશ થઈ રહ્યા છે, જેમાં માત્ર ‘નબળા હાથ’ ધરાવતા લોકો જ પોતાની સંપત્તિ વેચી રહ્યા છે, જ્યારે ‘મજબૂત હાથ’ ધરાવતા સમજદાર રોકાણકારો આ ઘટાડામાં ખરીદી કરવાની તક શોધી રહ્યા છે. આ સાથે જ તેમણે બજારના આ કડાકા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ, બેંકો અને બોન્ડ માર્કેટની અક્ષમતાને જવાબદાર ઠેરવી હતી અને ચેતવણી આપી હતી કે અમેરિકાનું દેવું સતત વધતું રહેશે કારણ કે બેંકિંગ સિસ્ટમ દ્વારા સામાન્ય લોકોની સંપત્તિ હડપવામાં આવી રહી છે.
‘ક્યારેય પડતી છરીને પકડશો નહીં’
બિટકોઇનના ઘટાડા અંગે વાત કરતાં કિયોસાકીએ એક તરફ વધુ બિટકોઇન ખરીદવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો, તો બીજી તરફ રોકાણકારોને સાવચેતીનો જૂનો નિયમ પણ યાદ અપાવ્યો હતો. તેમણે લખ્યું કે ક્યારેય પડતી છરીને પકડશો નહીં, એટલે કે ખરીદી કરતા પહેલા ઘટાડો સંપૂર્ણપણે અટકે તેની રાહ જોવી જોઈએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે અગાઉના મોટા ક્રેશ બાદ તેમણે $20,000 પ્રતિ કોઈનના ભાવે બિટકોઇન ખરીદવાનું શરૂ કર્યું હતું અને હવે ફરીથી બિટકોઇનના સૌથી નીચલા સ્તર એટલે કે ‘બોટમ’ પર આવવાની રાહ જોશે.
નફો ખરીદતી વખતે બને છે
પોતાની વાતના અંતે કિયોસાકીએ રોકાણનો મૂળ મંત્ર આપતા જણાવ્યું હતું કે નફો વેચતી વખતે નહીં, પરંતુ ખરીદતી વખતે બને છે. તેમના મતે બજારમાં ગભરાટનો માહોલ હોય અને ભાવ તળિયે પહોંચે ત્યારે યોગ્ય સમયે ખરીદી કરવી એ જ સમજદારીભર્યું રોકાણ છે. (નોંધ: સોના-ચાંદી કે બિટકોઇન જેવા જોખમી બજારોમાં રોકાણ કરતા પહેલાં નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે).
