Nepal Cocaine Seizure : નેપાળમાં માદક દ્રવ્યોની તસ્કરી વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી એક મોટી કાર્યવાહી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ એક ભારતીય નાગરિકને અંદાજે ₹૨૨ કરોડની કિંમતના કોકેઈન સાથે ઝડપી પાડ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મહારાષ્ટ્રના રહેવાસી ૫૨ વર્ષીય રેવાજ તિઘરી તરીકે થઈ છે, જેની પાસેથી સાડા પાંચ કિલોગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. નેપાળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના એસપી અને પ્રવક્તા દુર્ગારાજ રેગ્મીએ આ ધરપકડની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા કોકેઈનની કિંમત ₹૨૨ કરોડ જેટલી થાય છે અને આ જથ્થો ભારતમાં સપ્લાય કરવામાં આવનાર હતો.
થાઈલેન્ડથી કાઠમંડુ પહોંચતા જ ત્રિભુવન એરપોર્ટ પર ઝડપાયો
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવાઈ માર્ગે માદક પદાર્થોની હેરાફેરી થવાની આશંકાને પગલે શંકાસ્પદ મુસાફરોનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન થાઈલેન્ડથી કાઠમંડુ પહોંચેલો રેવાજ તિઘરી પોલીસની શંકાના દાયરામાં આવ્યો હતો. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તેને અટકાવીને તેની સઘન તલાશી લેવામાં આવતાં તેની પાસેથી સાડા પાંચ કિલો કોકેઈન મળી આવ્યું હતું.
અગાઉ બે વખત નેપાળ અને અન્ય ૬ દેશોની કરી ચૂક્યો છે મુસાફરી
પોલીસ તપાસ દરમિયાન આરોપીની વિદેશ યાત્રાઓ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ મુજબ, રેવાજ તિઘરી અગાઉ પણ બે વખત નેપાળ આવી ચૂક્યો છે—પ્રથમ વખત તે હવાઈ માર્ગે અને બીજી વખત ભારતથી સડક માર્ગે નેપાળ પહોંચ્યો હતો. આ ઉપરાંત તે લાઓસ, ઝિમ્બાબ્વે, સુદાન, બાંગ્લાદેશ, વિયેતનામ અને કંબોડિયા જેવા દેશોની પણ મુસાફરી કરી ચૂક્યો છે.
મેકેનિકલ એન્જિનિયરિંગનું પ્રમાણપત્ર મળ્યું, નેટવર્કની તપાસ તેજ
એસપી દુર્ગારાજ રેગ્મીના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આરોપી આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ તસ્કરી નેટવર્ક સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે અને પોલીસને તેની પાસેથી મેકેનિકલ એન્જિનિયરિંગનું એક પ્રમાણપત્ર પણ મળી આવ્યું છે. હાલ તપાસ એજન્સીઓ આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં અન્ય કયા લોકો સામેલ છે અને ભારતમાં આ કોકેઈનની ખેપ કોને પહોંચાડવાની હતી તે દિશામાં ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.
