Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

જૂનાગઢમાં ગિરનાર પર્વત ચઢતાં ૧૨ વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષો મળ્યા, એક સિંહ પાંજરે પુરાયો

જૂનાગઢ ગિરનાર પર કાળજું કંપાવતી ઘટના: ૧૨ વર્ષના બાળકને સિંહ ઉપાડી ગયો, જંગલમાંથી મળ્યા અવશેષો

જૂનાગઢના પ્રખ્યાત ગિરનાર પર્વત પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે ગિરનારની યાત્રાએ આવેલા એક પરિવારના ૧૨ વર્ષના માસૂમ બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને મોંમાં દબાવીને ગણતરીની સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો હતો. વન વિભાગ અને પોલીસની ભારે શોધખોળ બાદ જંગલમાંથી બાળકના માત્ર લોહીથી લથબથ કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

૫૦ પગથિયાં ચડતા જ કાકાના હાથમાંથી ભત્રીજાને ખેંચી ગયો સિંહ મળતી વિગતો મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારની યાત્રાએ જૂનાગઢ આવ્યો હતો. વહેલી સવારે જ્યારે આ પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે આ ભયાનક ઘટના ઘટી હતી. મૃતક બાળકના કુટુંબી કાકા અનિલકુમારસિંહ ચૌહાણે ધ્રુજતા અવાજે જણાવ્યું કે, “અમે ગિરનારના મુખ્ય ગેટથી અંદર આશરે ૫૦ જેટલા પગથિયાં ઉપર જ પહોંચ્યા હતા. તે સમયે અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી મારા ૧૨ વર્ષના ભત્રીજા મયુરસિંહ પર તરાપ મારી હતી. હું કંઈ સમજી શકું તે પહેલા જ સિંહ તેને મારા હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગયો હતો.”

આ હુમલા બાદ પરિવારની ચીસાચીસ અને ભારે દોડધામ વચ્ચે વન વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા વન વિભાગને બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા હતા.

હુમલો કરનાર એક સિંહ પાંજરે પુરાયો ઘટનાને પગલે વન વિભાગ, પોલીસ અને સ્થાનિક ટ્રેકર્સની ટીમોએ તાત્કાલિક એક્શન મોડમાં આવીને સિંહને પકડવા માટે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગની કલાકોની જહેમત બાદ આખરે એક સિંહ પાંજરે પુરાયો છે. વન વિભાગની પ્રાથમિક તપાસ અને સિંહની ઊલટી (Vomit) દરમિયાન તેમાંથી માનવ શરીરના ભાગો મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે આ જ સિંહે બાળક પર હુમલો કર્યો હતો.

સુરક્ષાના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી બંધ કરાઈ આ ભયાનક ઘટના બાદ યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષાને સર્વોપરી રાખીને તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર પર્વતની મુખ્ય નવી સીડી પર સામાન્ય અવરજવર આગામી સૂચના સુધી તદ્દન બંધ કરી દેવામાં આવી છે. ગિરનારે આવતા શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી જ આવા-જવા માટે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. હાલમાં વન વિભાગ દ્વારા આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

ભારતમાં ગરમીનો હાહાકાર: દર 4 માંથી 3 ભારતીયો પર ખતરો, શું ‘સાયલન્ટ કિલર’ બની રહ્યું છે વધતું તાપમાન?

praxpatel

અમદાવાદ વિમાન અકસ્માત: પૂર્વ સીએમ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઇન્ડિયાનો ખુલાસો

praxpatel

કચ્છ જીલ્લાના અબડાસામા વાતાવરણ પાલટાયું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ-

Maheriya Nirali