Gujarat Plus
ગુજરાત

ગુજરાતમાં લખાશે નવો ઇતિહાસ: સેમિકન્ડક્ટર ક્ષેત્રે નેધરલેન્ડ સાથે ભારતની મેગા ડીલ, ચીન થયું બેચેન

ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બહુ મોટો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. પીએમ મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના બીજા દિવસે નેધરલેન્ડ પહોંચ્યા છે. ૯ વર્ષ બાદ આ યુરોપીય દેશની મુલાકાતે ગયેલા વડાપ્રધાને સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક ઐતિહાસિક અને અતિ મહત્વનો કરાર કર્યો છે. આ ડીલથી વૈશ્વિક સ્તરે ટેકનોલોજીની દુનિયા બદલાવા જઈ રહી છે, જેના કારણે પાડોશી દેશ ચીનની ચિંતામાં જોરદાર વધારો થયો છે.

નેધરલેન્ડની આ કંપની વિના અમેરિકા-તાઇવાન પણ છે લાચાર!

ભારત લાંબા સમયથી ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ બનવાના સપના પર કામ કરી રહ્યું છે. હવે આ સપનાને નેધરલેન્ડની સૌથી મોટી અને વિશ્વ વિખ્યાત ચિપ મેકિંગ કંપની ASMLનો સાથ મળ્યો છે.

ASML કંપનીની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે દુનિયાની એકમાત્ર એવી કંપની છે જે અત્યંત એડવાન્સ ચિપ્સ બનાવવા માટે જરૂરી ‘લિથોગ્રાફી મશીનો’ બનાવે છે. આ અત્યાધુનિક મશીન વગર તાઇવાન, જાપાન કે અમેરિકા જેવા સુપરપાવર દેશો પણ એડવાન્સ ચિપ બનાવી શકતા નથી.

TATA એ મિલાવ્યો હાથ: ગુજરાતના ધોલેરામાં થશે મોટું રોકાણ

ડચ કંપની ASML અને ભારતની પ્રતિષ્ઠિત કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics) વચ્ચે આ અંગે મહત્વના MoU સાઇન થયા છે.

  • આ કરાર હેઠળ ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરા (Dholera SIR) ખાતે ચિપ પ્રોડક્શન પ્લાન્ટ માટે રૂ. ૯૧,૦૦૦ કરોડનું ભવ્ય રોકાણ કરી રહ્યું છે.

  • ટાટા આ પ્લાન્ટ તાઇવાનની પ્રખ્યાત ‘પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન’ (PSMC) સાથે મળીને સ્થાપી રહ્યું છે.

  • હવે નેધરલેન્ડની ASML કંપની આ પ્લાન્ટમાં એડવાન્સ લિથોગ્રાફી કમ્પોનન્ટ્સ અને મશીનરી પુરી પાડશે. સેમિકન્ડક્ટર બનાવવાની પ્રક્રિયામાં લિથોગ્રાફીને સૌથી જટિલ અને ખર્ચાળ કામ ગણવામાં આવે છે.

૩૦૦ mm ચિપનું થશે પ્રોડક્શન

ASML કંપની ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી ૩૦૦ mm (૧૨ ઇંચ) સેમિકન્ડક્ટર પ્રોડક્શનમાં મોટી ટેકનિકલ મદદ આપશે. અહીં જે હાઇ-ટેક ‘સુપર ચિપ્સ’ બનશે, તે વૈશ્વિક સ્તરે ઓટોમોબાઈલ (ગાડીઓ), સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વધતી જતી જરૂરિયાતો પૂરી કરશે.

આ ડીલથી ચીન કેમ ફફડી ગયું?

હાલમાં વૈશ્વિક ચિપ માર્કેટ અને તેના સપ્લાય પર ચીનનો મોટો દબદબો છે. ચીન ઘણીવાર પોતાની આ મોનોપોલી (એકાધિકાર)નો દુરુપયોગ કરીને અન્ય દેશો પર નિકાસ પ્રતિબંધો લાદવાની દાદાગીરી કરતું આવ્યું છે. પરંતુ હવે સેમિકન્ડક્ટર માર્કેટમાં ભારતની આ ધમાકેદાર એન્ટ્રીથી ચીનના વર્ચસ્વને સીધો અને મોટો પડકાર મળશે.

અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે દુનિયાભરની મોટી ટેક કંપનીઓ ચીનના મજબૂત વિકલ્પ તરીકે ભારત તરફ જોઈ રહી છે. આ ઐતિહાસિક ડીલ ભારતને ચિપ મેકિંગમાં આત્મનિર્ભર (Self-reliant) બનાવવાની સાથે ભવિષ્યમાં એક મોટો નિકાસકાર (Exporter) પણ બનાવશે.

અન્ય કયા ક્ષેત્રોમાં થઈ ચર્ચા?

પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના FTA (મુક્ત વ્યાપાર કરાર)ને વહેલી તકે લાગુ કરવા અંગે સકારાત્મક વાતચીત થઈ છે. આ ઉપરાંત ભારતમાં ગ્રીન હાઇડ્રોજન, મેરીટાઇમ (સમુદ્રી ક્ષેત્ર), રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ટેકનોલોજી અને હેલ્થકેર જેવા મહત્વના સેક્ટરમાં ડચ રોકાણ વધારવા અંગે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત હવામાન અપડેટ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

praxpatel

Vadodara E-Bus: વડોદરામાં ૧ મહિનાથી ધૂળ ખાઈ રહી છે ૭ ઈ-બસ, PM મોદીની અપીલ બાદ પણ તંત્ર કેમ ઊંઘતું ઝડપાયું?

praxpatel

ચાંદી ઓલ ટાઈમ હાઈના બીજા દિવસે ₹784 સસ્તી થઈ: સોનાની કિંમતમાં 80 રૂપિયાનો ઘટાડો, સોનું ₹1,32,394/10g થયું

Gujarat Plus