Gujarat Plus
બિઝનેસ

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? જાણી લો મર્યાદા-નિયમ, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા અને તમને મૂંઝવતા દરેક સવાલોના જવાબ

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? જાણી લો મર્યાદા-નિયમ, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા અને તમને મૂંઝવતા દરેક સવાલોના જવાબ

ઘરમાં કે બેંકના લોકરમાં કેટલું સોનું રાખી શકાય તે અંગે સામાન્ય નાગરિકોમાં હંમેશાં મોટો ભ્રમ પ્રવર્તતો હોય છે. મોટાભાગના લોકો એવું માને છે કે ઘરમાં માત્ર ૫૦૦ ગ્રામ સુધી જ સોનું રાખી શકાય છે અને તેનાથી વધુ સોનું હોય તો ઇન્કમ ટેક્સ વિભાગ કાર્યવાહી કરીને તેને જપ્ત કરી લે છે. પરંતુ હકીકતમાં, ભારતમાં સોનું રાખવા પર કોઈ કાયદાકીય મહત્તમ સીમા નક્કી કરવામાં આવી નથી. જો સોનું કાયદેસર આવકના સ્ત્રોતમાંથી ખરીદવામાં આવ્યું હોય કે વારસામાં મળ્યું હોય, તો ગમે તેટલા જથ્થામાં સોનું રાખી શકાય છે.

૫૦૦ ગ્રામ સોનાનો CBDT નિયમ શું છે?

૫૦૦ ગ્રામ સોનાનો નિયમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ (CBDT) ના વર્ષ ૧૯૯૪ના એક માર્ગદર્શક પરિપત્ર (ઇન્સ્ટ્રક્શન) સાથે જોડાયેલો છે. આ નિયમ મુજબ, આવકવેરા વિભાગની રેડ કે તલાશી દરમિયાન પરિવારના સભ્યો પાસે રહેલા એક નિશ્ચિત જથ્થા સુધીના સોનાના દાગીના જપ્ત કરવામાં આવતા નથી:

  • પરિણીત મહિલા: ૫૦૦ ગ્રામ સુધી

  • અવિવાહિત મહિલા: ૨૫૦ ગ્રામ સુધી

  • પરિવારના પુરુષ સભ્ય: ૧૦૦ ગ્રામ સુધી

ઉલ્લેખનીય છે કે આ મર્યાદા માત્ર રેડ દરમિયાન દાગીના જપ્ત ન કરવા માટેનું માર્ગદર્શક ધોરણ છે, ઘરમાં સોનું રાખવાની કોઈ કાયદાકીય મર્યાદા નથી.

વધુ સોનું રાખવા પર કાર્યવાહી થાય છે? પુરાવા કેમ જરૂરી છે?

માત્ર ૫૦૦ ગ્રામથી વધુ સોનું હોવા માત્રથી કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકતી નથી. જો સોનાના દાગીના અને આભૂષણો વ્યક્તિની જાણીતી આવકના સ્ત્રોતમાંથી ખરીદેલા હોય, વારસામાં મળેલા હોય કે ભેટ (ગિફ્ટ) સ્વરૂપે પ્રાપ્ત થયા હોય, તો તેને રાખવાની કોઈ સીમા નથી. જોકે, આવકવેરા તપાસ દરમિયાન સોનાના સ્ત્રોત અંગે પૂછપરછ થઈ શકે છે, તેથી ખરીદીના પાકા બિલ, વારસાઈ કે ઉપહાર સાથે જોડાયેલા દસ્તાવેજો અથવા આવકના કાગળો સાચવી રાખવા અત્યંત જરૂરી છે.

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો શું કહે છે?

સુપ્રીમ કોર્ટે ‘બિહાર સરકાર વિરુદ્ધ ફૂલપરી કુમારી’ કેસમાં એક અત્યંત મહત્ત્વની કાયદાકીય સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું કે CBDT નો ૫૦૦ ગ્રામ સોનાનો નિયમ માત્ર એટલા માટે છે કે તલાશી દરમિયાન સામાન્ય રીતે આ મર્યાદા સુધીનું સોનું જપ્ત ન થાય, પરંતુ તેનો અર્થ એ નથી કે ૫૦૦ ગ્રામ સુધીનું સોનું આપમેળે કાયદેસર જ સાબિત થઈ જાય. જો આવકથી વધુ સંપત્તિ (Disproportionate Assets) નો મામલો હોય, તો તપાસ અધિકારીઓને એ પૂછવાનો પૂરો અધિકાર છે કે આ સોનું ક્યાંથી અને કેવી રીતે આવ્યું. ટૂંકમાં કહીએ તો, ૫૦૦ ગ્રામથી ઓછું સોનું હોય તો પણ તેના સ્ત્રોત વિશે પૂછપરછ થઈ શકે છે, અને ૫૦૦ ગ્રામથી વધુ સોનું હોય તો માત્ર જથ્થાના આધારે તેને ગેરકાયદે ગણી શકાતું નથી.

સંબંધિત પોસ્ટ્સ

ઘરે બેઠા ફ્રીમાં મેળવો GST નંબર: એજન્ટને 10 હજાર આપવાની જરૂર નથી, જાણો ઓનલાઇન અરજીની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

praxpatel

બેંક લોકરમાંથી દાગીના ચોરાય તો કેટલું વળતર મળે? જામનગર કાંડ બાદ જાણો RBIના નિયમો

praxpatel