ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે મોખરે હોવાના દાવા કરતું ગુજરાત રાસાયણમુક્ત અને ઓર્ગેનિક ખેતીના રાષ્ટ્રીય ફલક પર ઘણું પછાત સાબિત થઈ રહ્યું છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજનાના સત્તાવાર આંકડાઓ સ્પષ્ટ કરે છે કે દેશના અન્ય મોટા કૃષિ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ અત્યંત સીમિત અને ચિંતાજનક સ્તરે ધીમો રહ્યો છે. કરોડો રૂપિયાના સરકારી બજેટ અને મોટા પાયે થતા પ્રચાર-પ્રસાર છતાં રાજ્યમાં ખેડૂતો હજુ પણ મોટા પાયે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પર જ નિર્ભર રહેવા મજબૂર બન્યા છે.
ઓર્ગેનિક ક્લસ્ટર્સની રચનાની દ્રષ્ટિએ ગુજરાત દેશના ટોચના રાજ્યો કરતાં માઈલો પાછળ છે. દેશભરમાં જ્યાં રાજસ્થાન ૧,૦૦,૫૫૭ ક્લસ્ટર્સ અને ઉત્તર પ્રદેશ ૮,૫૩૯ ક્લસ્ટર્સ સાથે અગ્રણી સ્થાને છે, તેની સામે ગુજરાતમાં અત્યાર સુધી માત્ર ૭૫૯ ક્લસ્ટર્સ જ કાર્યરત થઈ શક્યા છે. પડોશી રાજ્યો મધ્ય પ્રદેશ ૬,૦૩૭ ક્લસ્ટર્સ અને મહારાષ્ટ્ર ૨,૯૭૮ ક્લસ્ટર્સ સાથે ગુજરાત કરતાં ઘણી આગળની હરોળમાં છે. વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન રાજ્ય સરકારે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૨,૦૯૬ લાખ જેટલો માતબર ખર્ચ કર્યો હોવા છતાં યોજના હેઠળ ખેડૂતોને જોડવાની પ્રક્રિયા નિરાશાજનક રહી છે.
યોજનાકીય લાભ મેળવનારા ખેડૂતોની સંખ્યામાં પણ રાજ્યની સ્થિતિ નબળી જણાય છે. દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં ૭,૪૬,૯૭૬ ખેડૂતો અને કેરળમાં ૩,૧૦,૮૪૧ ખેડૂતો ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી ચૂક્યા છે, જ્યારે ગુજરાતમાં માત્ર ૧૭,૮૩૬ ખેડૂતો જ આ યોજના સાથે જોડાયા છે. આ આંકડો રાજ્યના કુલ ખેડૂતોની સંખ્યાના એક ટકા જેટલો પણ થતો નથી, જે દર્શાવે છે કે યોજનાને જમીની સ્તરે પહોંચાડવામાં કૃષિ વિભાગની સક્રિયતા ઘણી ઓછી રહી છે. કેમિકલમુક્ત ખેતી હેઠળ આવરી લેવાયેલા ક્ષેત્રફળની બાબતમાં પણ રાજસ્થાન ૨,૦૧,૧૪૦ હેક્ટર અને ઉત્તર પ્રદેશ ૧,૭૧,૧૮૪ હેક્ટર સાથે અગ્રેસર છે, જ્યારે ગુજરાતમાં માત્ર ૧૫,૩૩૪.૪૧ હેક્ટર જમીન પર જ ઓર્ગેનિક વાવેતર થઈ રહ્યું છે.
ગુજરાતના ધરતીપુત્રો ઓર્ગેનિક પાકો ઉગાડવા માટે ઉત્સુક હોવા છતાં સરકારી તંત્ર તરફથી સર્ટિફિકેશન મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ સાબિત થઈ રહી છે. આ ઉપરાંત રાસાયણિક પાકોની જેમ ઓર્ગેનિક અનાજ, કઠોળ કે શાકભાજીના વેચાણ માટે રાજ્યમાં કોઈ વ્યવસ્થિત માર્કેટિંગ નેટવર્ક કે પોષણક્ષમ લઘુત્તમ ટેકાના ભાવોની કાયમી વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ ખેડૂતો માટે વિશેષ તાલીમ શિબિરો અને મજબૂત માર્કેટ ચેઇન તૈયાર કરી છે, તેવી નક્કર પહેલ ગુજરાતમાં જોવા મળી નથી. જો આગામી સમયમાં ક્લસ્ટર્સ અને માર્કેટિંગ વ્યવસ્થા ઝડપથી ઊભી નહીં કરાય તો ગ્રીન ઈકોનોમીના ઉભરતા બજારમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ રહી જશે.
બીજી તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યપાલ દ્વારા ગામડાઓમાં રાત્રિસભાઓ અને કાર્યક્રમો યોજીને પ્રચાર કરવામાં આવે છે, પરંતુ પ્રોટોકોલ, સુરક્ષા વ્યવસ્થા અને સરકારી મશીનરીના ઉપયોગ પાછળ મોટો સરકારી ખર્ચ થઈ રહ્યો હોવાની ચર્ચા વહીવટી વર્તુળોમાં ચાલી રહી છે. હરિયાણા સ્થિત કુરુક્ષેત્રના ફાર્મ પર ગુજરાતના ઉચ્ચ સચિવો અને પ્રતિનિધિમંડળોના પ્રવાસો પાછળ થયેલા ખર્ચ અંગે પણ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. સત્તાવાર મંચો પરથી થતા દાવાઓની વચ્ચે વાસ્તવિકતા એ છે કે યોગ્ય બજાર વ્યવસ્થા અને પ્રોત્સાહનના અભાવે ગુજરાતનો સામાન્ય ખેડૂત આજે પણ જોખમ ઉઠાવવાને બદલે પરંપરાગત રાસાયણિક ખેતી તરફ જ વળવા વિવશ છે.
