ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૨૭ની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે, પરંતુ તે પહેલાં જ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાજકોટમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં બાવળિયાની ટિકિટ અને મંત્રીપદ અંગે મોટો દાવો કરતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ જાહેર નિવેદન બાદ હવે ખુદ કોળી સમાજમાંથી જ કુંવરજી બાવળિયા સામે તીવ્ર વિરોધનો વંટોળ ઊભો થયો છે અને તેમને રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવાની માંગ ઉઠી છે.
જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના આંતરિક જૂથવાદ વચ્ચે યોજાયેલા કોળી સમાજના શક્તિપ્રદર્શનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે અમારા સમાજમાંથી આવા કદાવર નેતા ક્યારેય આવ્યા નથી અને કુંવરજી બાવળિયા જ આગામી વિધાનસભા ચૂંટણી લડશે અને ફરીથી મંત્રી પણ બનશે. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે એવા ઘણા લોકો છે જે સરપંચ બનવાને પણ લાયક નથી અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટો માંગી રહ્યા છે.
દેવજી ફતેપરાના આ નિવેદન બાદ કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આકરા પ્રહારો કરતાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જસદણમાં યોજાયેલું સ્નેહમિલન સંમેલન સંપૂર્ણપણે રાજકીય બની ગયું હતું અને તેને સમાજના હિત સાથે કોઈ લેવાદેવા નથી. પ્રવીણ કોળીએ કુંવરજી બાવળિયા સામે સીધું નિશાન સાધતાં કહ્યું કે તેમણે હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ, કારણ કે દેશ હવે યુવાનોના હાથમાં જઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી પણ હવે યુવા નેતાઓને તક આપવામાં રસ દાખવી રહી છે.
આ ઉપરાંત પ્રવીણ કોળીએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે કુંવરજી બાવળિયા માત્ર સમાજના નામે રાજકારણ કરીને ચૂંટણી લડે છે, પરંતુ સમાજને આપેલા પાયાના વાયદાઓ પૂર્ણ કરતા નથી. તેમણે યાદ અપાવ્યું હતું કે કોળી સમાજનું વિદ્યાર્થી ભવન બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હોવા છતાં સાત વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયા પછી પણ તે નિર્માણ પામ્યું નથી. હાલ દેવજી ફતેપરાના નિવેદન અને બાવળિયાની ઉમેદવારીના દાવાને લઈને સૌરાષ્ટ્રના કોળી સમાજ અને સ્થાનિક રાજકારણમાં સ્પષ્ટપણે બે ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.
