Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ફરી ગુંજ્યું ‘ઓપરેશન લંગડા’: પોલીસની રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કરતા NDPS કેસના આરોપી અશોક બિશ્નોઈને પગમાં ગોળી મારી દબોચી લેવાયો!

ગુજરાતમાં ફરી ગુંજ્યું 'ઓપરેશન લંગડા': પોલીસની રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કરતા NDPS કેસના આરોપી અશોક બિશ્નોઈને પગમાં ગોળી મારી દબોચી લેવાયો!

બનાસકાંઠા: ગુજરાત પોલીસ દ્વારા ગુનેગારો સામે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન લંગડા’ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વધુ એક મોટી કાર્યવાહી સામે આવી છે. ધાનેરા પોલીસની ટીમ જ્યારે NDPS (ડ્રગ્સ) કેસના આરોપી અશોક બિશ્નોઈને રિમાન્ડ દરમિયાન તપાસ અર્થે ભરૂચ લઈ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં તેણે પોલીસકર્મીની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી અને પોલીસે તેને ફરીથી દબોચી લીધો હતો.

ભરૂચ તપાસ માટે લઈ જતી વખતે ડ્રાઈવર પર હુમલો કરી હથિયાર ખેંચ્યું

મળતી માહિતી મુજબ, ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં ઝડપાયેલો આરોપી અશોક બિશ્નોઈ પોલીસ રિમાન્ડ પર હતો. તપાસના કામે પોલીસ કાફલો તેને સરકારી વાહનમાં ભરૂચ તરફ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આરોપીએ નાસી છૂટવાના ઈરાદે અચાનક પોલીસની ગાડીના ડ્રાઈવર પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ એક પોલીસકર્મીની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો.

જીવનું જોખમ જણાતા PI એ સ્વબચાવમાં ચલાવી ગોળી

આરોપી દ્વારા હથિયાર છીનવવાના પ્રયાસથી પોલીસકર્મીઓના જીવ સામે જોખમ ઊભું થતાં ધાનેરાના PI એ સ્વબચાવમાં પોતાની રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી સીધી આરોપી અશોક બિશ્નોઈના પગમાં વાગતા તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો, જેથી પોલીસે તેને તાત્કાલિક કાબૂમાં લઈ લીધો હતો.

હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો, વધુ એક ગુનો દાખલ

પગમાં ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સારવાર ચાલી રહી છે. પોલીસ જાપ્તા પર હુમલો કરવા અને સરકારી હથિયાર છીનવવાનો પ્રયાસ કરવા બદલ તેની સામે વધુ એક કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ અગાઉ સુરત અને વાપીમાં પણ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનારા ખંડણી તથા ગંભીર ગુનાના આરોપીઓને પોલીસે પગમાં ગોળી મારી ઝડપી પાડ્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

બહેનને ₹1500ની ઈદી આપવા બાબતે ઝઘડો થયો, બંધ રૂમમાંથી મળી 4 લાશ

praxpatel

પરષોત્તમ રૂપાલાની સમાજને ટકોર: ‘અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડ આપણા સમાજની શોભા નથી’

praxpatel

કાટમાળમાંથી લાશો બહાર કાઢતા હતા ત્યાં ફરી વેનેઝુએલામાં ભૂકંપના આંચકા: મૃત્યુઆંક ૧,૦૦૦ ને પાર

praxpatel