વડોદરા / અમદાવાદ: હાલોલ-વડોદરા હાઈવે પરથી શુક્રવારે એક AK-47 રાયફલ અને ૨૩ જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા આતંકી મોહમ્મદ શાહરુલ ઈસ્લામ કબીરુદ્દીનની પૂછપરછમાં ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ) ને અત્યંત ચોંકાવનારી વિગતો મળી છે. વાઘોડિયા કોર્ટે આતંકીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ હાથ ધરાયેલી સઘન પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપીએ આસામથી વડોદરા આવીને વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકી કરી હતી અને તેના ફોટો-વીડિયો પાકિસ્તાન સ્થિત આકાઓને મોકલી આપ્યા હતા.
આસામના ઘરેથી મળ્યા જૈશ-એ-મોહમ્મદનો ફ્લેગ અને મસૂદ અઝહરના પુસ્તકો
ગુજરાત ATSની ટીમે તપાસનો વ્યાપ વધારીને વડોદરા ઉપરાંત દાહોદ, ઉત્તર પ્રદેશ અને આસામ સુધી તપાસ લંબાવી છે. આસામના કરીમનગર જિલ્લામાં આવેલા આતંકીના ઘરે તલાશી લેવામાં આવતા ત્યાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) નો ફ્લેગ, જેહાદી સાહિત્ય અને આતંકી સરગના મસૂદ અઝહરના પુસ્તકો મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુપીના દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પર જેહાદી પ્રવૃત્તિઓ સર્ચ કરતો રહેતો હતો.
પાકિસ્તાની હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ‘ઈબ્ન અબ્દુલ્લા’ ના સંપર્કમાં હતો
આતંકીના મોબાઈલ ફોનની વોટ્સએપ ચેટ અને ગેલેરીની તપાસમાં ATS ને મહત્ત્વના ડિજિટલ પુરાવા હાથ લાગ્યા છે:
-
એરફોર્સ સ્ટેશનની રેકી: મોબાઈલમાંથી વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટના ફોટો અને વીડિયો મળી આવ્યા છે.
-
હથિયારની તાલીમના વીડિયો: AK-47 જેવી ઓટોમેટિક એસોલ્ટ રાયફલ ચલાવવાની તાલીમ અંગેના વીડિયો પણ ફોનમાંથી મળ્યા છે.
-
પાકિસ્તાની હેન્ડલર અને ફંડિંગ: આરોપી છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈશના હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ‘ઈબ્ન અબ્દુલ્લા’ ના સંપર્કમાં હતો, જેણે તેને નવો ફોન ખરીદવા માટે ₹૫૦,૦૦૦ રોકડા આપ્યા હતા.
-
હુમલા બાદ પાકિસ્તાન ભાગવાનો પ્લાન: આરોપી વડોદરા એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલાને અંજામ આપીને પાકિસ્તાન હિજરત કરી જૈશ-એ-મોહમ્મદની તંજીમમાં જોડાવાનો ઈરાદો ધરાવતો હતો.
હાલ ગુજરાત ATS અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સંયુક્ત રીતે આતંકીની પૂછપરછ કરી રહી છે અને ગુજરાતમાં તેને અન્ય કોઈ સ્થાનિક શખ્સોએ મદદ કરી હતી કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
