Gujarat Plus
ગુજરાત

કૃષિ ક્ષેત્રે અનોખો ચમત્કાર: ખેડાના ખેડૂતે જમીનને બદલે વેલા પર ઉગાડ્યા ‘જૈન બટાકા’!

કૃષિ ક્ષેત્રે અનોખો ચમત્કાર: ખેડાના ખેડૂતે જમીનને બદલે વેલા પર ઉગાડ્યા 'જૈન બટાકા'!
નડિયાદ / ખેડા: ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક અને નવતર પ્રયોગો તરફ વળી રહ્યા છે. ખેડા તાલુકાના સમાદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત ચેતન જોશીએ ખેતીમાં એક એવો અનોખો પ્રયોગ કરી બતાવ્યો છે, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સામાન્ય રીતે જમીનની અંદર ઉગતા બટાકાને બદલે તેમણે પોતાના ‘ધરોહર ફાર્મ’ ખાતે વેલા પર લટકતા ‘જૈન બટાકા’ (Air Potatoes) ઉગાડવામાં સફળતા મેળવી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર, વેલા પર ઊગેલા આ બટાકાનું શાક પણ જમીનમાં ઊગતા અસ્સલ બટાકા જેવું જ સ્વાદિષ્ટ બને છે.

ચાર રોપામાંથી ૪૫ થી ૫૦ બટાકાનું ઉત્પાદન

સમાદ્રા ગામના ધરોહર ફાર્મ ખાતે ખેડા જિલ્લામાં પ્રથમ વખત જૈન બટાકાના ચાર રોપાનું પ્રાયોગિક ધોરણે વાવેતર કરવામાં આવ્યું હતું. આ રોપા ભેટમાં મળ્યા બાદ ખેડૂત ચેતન જોશીએ ત્રણથી ચાર મહિના પહેલાં તેનું વાવેતર કર્યું હતું. હાલ ચાર પૈકી ત્રણ રોપાના વેલા પર નાના-મોટા મળીને અંદાજે ૪૫ થી ૫૦ જેટલા બટાકા લટકી રહ્યા છે અને હજુ પણ છોડ પર નવા બટાકાનો વિકાસ થઈ રહ્યો છે. આ પ્રયોગ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડા જિલ્લાની જમીન, આબોહવા અને તાપમાન આ પાક માટે કેટલાં અનુકૂળ છે તે ચકાસવાનો હતો.

કંદમૂળ ન ખાતા લોકો માટે બની શકે છે ઉત્તમ વિકલ્પ

સામાન્ય બટાકા જમીનની અંદર ઉગતા હોવાથી તે કંદમૂળની શ્રેણીમાં આવે છે, જેના કારણે જૈન સમાજ સહિતના ઘણા લોકો તેનું સેવન કરતા નથી. જોકે, આ ખાસ પ્રકારના ‘જૈન બટાકા’ જમીનની અંદર નહીં પરંતુ છોડના વેલા પર ઉપરની તરફ લટકતા હોવાથી કંદમૂળ ન ખાતા લોકો પણ તેનો આહારમાં સમાવેશ કરી શકશે, તેવો આશાવાદ ખેડૂતે વ્યક્ત કર્યો છે.

પોષકતત્ત્વો જાણવા લેબ ટેસ્ટ અને મોટા પાયે વાવેતરનું આયોજન

વેલા પર બટાકા ઉગતા હોવાથી તેના વિકાસની સમગ્ર પ્રક્રિયા નજર સામે જોઈ શકાય છે. હવે સામાન્ય બટાકાની સરખામણીએ આ વેલા પરના બટાકામાં કયા પોષકતત્ત્વો અને ગુણધર્મો રહેલા છે, તે જાણવા માટે તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રારંભિક પરિણામો અત્યંત ઉત્સાહજનક રહેતા આગામી વર્ષે વધુ જમીનમાં જૈન બટાકાનું મોટા પાયે વાવેતર કરવાની તૈયારી હાથ ધરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

મહારાષ્ટ્રમાં ખેડૂતોની ₹૨ લાખની લોન માફ તો ગુજરાતમાં માત્ર ૨% વ્યાજ સહાય: સરકારની નીતિ સામે ધરતીપુત્રોમાં આક્રોશ, ૧૨ નવેમ્બરથી આંદોલનની તૈયારી

praxpatel

PM મોદીનું વાવ-થરાદમાં સંબોધન: ‘કોંગ્રેસે ગુજરાત સાથે દ્વેષ રાખ્યો, અમે વિકાસની ગંગા વહાવી’

praxpatel

આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડ

praxpatel