Aravalli Murder Case : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામની સીમમાં હાથમતી નદી નજીક સળગેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવવાના ચકચારી બનાવનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં આ કંકાલ સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૪૫ વર્ષીય અનાર્મ્ડ ASI અશ્વિન બાબુલાલ તબિયાડનું હોવાનું સામે આવ્યું હતું. પ્રેમસંબંધના વિવાદમાં તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા હેડ કોન્સ્ટેબલે અન્ય ત્રણ સાગરીતોની મદદથી આ હત્યાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થતાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
૮ નવેમ્બરે ગુમ થયા બાદ સળગેલી કારમાંથી મળ્યું હતું કંકાલ
મળતી વિગતો અનુસાર, ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અશ્વિન તબિયાડ ગત ૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૦:૧૫ વાગ્યે પોતાની સફેદ અર્ટિગા કાર લઈને નોકરી પર જવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ ૧૦ નવેમ્બરના રોજ ભિલોડા તાલુકાના પાદરા ગામે હાથમતી નદીની સ્લીપ નજીક તેમની કાર સળગેલી હાલતમાં મળી આવી હતી અને અંદરથી માનવ કંકાલ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતકના પિતા બાબુ તબિયાડના ડીએનએ (DNA) સેમ્પલ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
ભાડાના મકાનમાં હત્યા કરી મૃતદેહ કોથળામાં ભરી કાર સાથે સળગાવ્યો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અશ્વિન તબિયાડને મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન અશોક કલાસવા સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ આલ્ફાબેન આ સંબંધ પૂરો કરવા માંગતા હતા જ્યારે અશ્વિન સંબંધ જાળવી રાખવા દબાણ કરતા હતા. આ વિવાદમાં આલ્ફાબેને ૮ અને ૯ નવેમ્બરની રાત્રિ દરમિયાન અશ્વિનને ચિઠોડા સ્થિત પોતાના ભાડાના મકાને બોલાવી તેમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેમણે પોતાના ભાઈ કલ્પેશ કલાસવા અને પિતરાઈ ભાઈ પંકજકુમારની મદદથી મૃતદેહને કોથળામાં ભરી દીધો હતો.
મોડી રાત્રે કલ્પેશના મિત્ર મનોજકુમાર નિનામા સાથે મળીને વિજયનગરના પેટ્રોલપંપ પરથી પેટ્રોલ ખરીદવામાં આવ્યું હતું અને મૃતદેહને અર્ટિગા કારની પાછળની સીટમાં મૂકી પાદરા ગામની સીમમાં હાથમતી નદી નજીક લઈ જઈ પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવામાં આવી હતી. આ દરમિયાન આગની જ્વાળાઓથી આલ્ફાબેનના મોઢા અને બંને હાથ પર દાઝી જવાની ઈજાઓ પણ થઈ હતી.
LCB અને ભિલોડા પોલીસે ચાર આરોપીઓને ઝડપી ઇકો કાર કબજે કરી
મૃતકના ભાઈ સિદ્ધરાજ બાબુ તબિયાડની ફરિયાદના આધારે ૧૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અરવલ્લી LCB અને ભિલોડા પોલીસની સંયુક્ત ટીમે તપાસના આધારે મુખ્ય આરોપી મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન કલાસવા, તેના ભાઈ કલ્પેશ, પિતરાઈ ભાઈ પંકજકુમાર અને મિત્ર મનોજકુમાર નિનામાની ધરપકડ કરી છે, તેમજ ગુનામાં વપરાયેલી અંદાજે ₹૫ લાખની કિંમતની મારુતિ ઇકો કાર પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
