અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં સ્માર્ટ સિસ્ટમના અમલીકરણ બાદ હવે કર્મચારીઓના સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અદ્યતન ઓનલાઈન સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રોજબરોજનું કામ સોંપવાથી લઈને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવા સહિતની તમામ બાબતોનું સંચાલન પણ AI દ્વારા કરવામાં આવશે. આ માટે અંદાજે રૂ. ૭ કરોડના ખર્ચે ‘AI આધારિત એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ’ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પ્રમાણિક અને કર્તવ્યપરાયણ કર્મચારીઓની કદર થશે, જ્યારે કામચોરી કરતા અને બેદરકાર કર્મચારીઓ પર લગામ કસી શકાશે.
એક સાથે ૫૦ હજાર કર્મચારીઓનું સંચાલન થઈ શકશે
અમદાવાદ મ્યુનિ.માં હાલ કાયમી અને કોન્ટ્રાક્ટ બેઝ પર આશરે ૧૮ થી ૨૦ હજાર જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જો કે, તેમની કામગીરી, સમયપાલન, નિયમિતતા અને સિનિયોરિટી જેવા મુદ્દે અવારનવાર પ્રશ્નો ઊભા થતા હોય છે. હાલમાં ફક્ત કર્મચારીઓની હાજરી અને પગાર જેવી સામાન્ય બાબતો માટે રૂટિન ઓનલાઈન સિસ્ટમ કાર્યરત છે. તેવામાં હવે કર્મચારીઓના કામ પર ચાંપતી નજર રાખવા માટે મ્યુનિ. દ્વારા આ સ્માર્ટ સિસ્ટમ તૈયાર કરાશે. ભવિષ્યમાં કાયમી કર્મચારીઓની સંખ્યા વધીને ૩૦ હજાર અને આઉટસોર્સ કર્મચારીઓની સંખ્યા ૨૦ હજાર મળીને કુલ ૫૦ હજાર કર્મચારીઓનું સંચાલન એક સાથે થઈ શકે તેવી ક્ષમતાવાળી આ સિસ્ટમ વિકસાવવામાં આવશે.
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
-
કર્મચારીઓનું પ્રોફાઈલિંગ: તમામ કર્મચારીઓના હોદ્દા, વર્કફ્લો, નિમણૂંક, બઢતીથી લઈને નિવૃત્તિ સુધીની તમામ વિગતો ઉમેરીને ડિજિટલ પ્રોફાઈલ બનાવવામાં આવશે.
-
ઈ-સર્વિસ બુક: કર્મચારીઓના અત્યાર સુધીના તમામ દસ્તાવેજોનું ડિજિટાઈઝેશન કરીને ઈ-સર્વિસ બુક તૈયાર કરાશે.
-
ટાસ્ક મેનેજમેન્ટ: કર્મચારીઓની ક્ષમતા, અનુભવ અને કામના ભારણ વગેરે વિગતોના આધારે કઈ નવી કામગીરી કે પ્રોજેક્ટ કોને સોંપવો તે AIની મદદથી નક્કી કરવામાં આવશે.
-
કામનું મૂલ્યાંકન: ‘કી પર્ફોર્મર ઈન્ડિકેટર’ (KPI) ના આધારે કર્મચારીઓના કામનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરી તેમની બઢતી (પ્રમોશન) અને ટ્રેનિંગ વગેરે અંગે નિર્ણયો લેવામાં આવશે.
અગાઉના AI પ્રોજેક્ટ્સની કામગીરી પર ઉઠ્યા સવાલો
જો કે, અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AIના નામે વિવિધ જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખરેખર કઈ કામગીરી માટે AIનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અગાઉ ગત માર્ચ મહિનામાં ફરિયાદ નિવારણ પૉર્ટલ (CCRS) ને AI સાથે જોડવાનું આયોજન કરાયું હતું, જેમાં નાગરિકોની ફરિયાદો અને અધિકારીઓની કામગીરી પર AI નજર રાખશે તેવો દાવો કરાયો હતો. આ ઉપરાંત, રસ્તાના ખાડા, ભૂવા કે તૂટેલી ફૂટપાથ ઓળખવા માટે ‘AI આધારિત રોડ મેનેજમેન્ટ સિસ્ટમ’ ની વાતો પણ વહેતી થઈ હતી. પરંતુ મહિનાઓ વીત્યા બાદ પણ આ બંને સિસ્ટમની કેટલી અમલવારી થઈ અને તેનાથી કેટલો ફાયદો થયો તે અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મૂલ્યાંકન કે સત્તાવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી.
