Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

યુવાનોને રોજગારીના ફાંફા અને AMCએ 3 વર્ષમાં 210 નિવૃત્તોને કામે રાખ્યા: પ્રમોશન અટકતાં વિવાદ, કોંગ્રેસે માંગી શ્વેતપત્ર

AMC

AMC : ગુજરાતમાં એક તરફ લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી ભરતીઓ કરવાને બદલે નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને ફરી નોકરીએ રાખવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવતાં મોટો વિવાદ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, એકલા અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 1,000 થી વધુ અને છેલ્લા 3 વર્ષમાં 210 નિવૃત્તોને પુનઃનિયુક્તિ આપવામાં આવી છે. સમગ્ર રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, બોર્ડ-નિગમો અને સરકારી કચેરીઓમાં આવા 10,000 થી વધુ નિવૃત્ત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

મુખ્ય મુદ્દા (Highlights):

  • AMC માં છેલ્લા 3 વર્ષમાં 210 અને 10 વર્ષમાં 1,000 થી વધુ નિવૃત્તોને ફરી નોકરી અપાઈ.

  • રાજ્યભરના સરકારી વિભાગો અને નિગમોમાં 10,000 થી વધુ નિવૃત્તો ફરજ પર હોવાનો અંદાજ.

  • કાયમી સ્ટાફને પ્રમોશન આપવાના બદલે નિવૃત્તોને સાચવવાની નીતિથી આંતરિક અસંતોષ.

  • કોઈ ચોક્કસ નિયમ વિના ફિક્સ પગાર, 35% બેઝિક અથવા ‘પે માઇનસ પેન્શન’ પદ્ધતિથી મનફાવે તેમ વેતન નક્કી કરવાનો આરોપ.

  • કોંગ્રેસ દ્વારા સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સરકાર પાસે શ્વેતપત્ર (White Paper) ની માંગ.

  • 3 IAS અધિકારીઓને પણ નિવૃત્તિ બાદ એક્સ્ટેન્શન સાથે ફરજ પર રાખવામાં આવ્યા.

નિવૃત્તિ બાદ ફરજ બજાવતા 3 IAS અધિકારીઓની વિગતો:

અધિકારીનું નામ હોદ્દો & વિભાગ કાર્યકાળ / મુદત
સી.આર. બરસાણ OSD, સેન્ટ્રલ ઓફિસ

પ્રથમ: 14-06-2023 થી 14-06-2024


બીજી: 15-06-2024 થી 14-06-2025

આર.એ. મેરજા ડેપ્યુટી કમિશનર, સેન્ટ્રલ ઓફિસ 03-07-2023 થી 02-07-2024
એસ.એ. પટેલ ડેપ્યુટી કમિશનર, સેન્ટ્રલ ઓફિસ 01-10-2023 થી 09-10-2024

પ્રમોશન અટક્યા અને બેરોજગારોને અન્યાય

આક્ષેપો અનુસાર, મલાઈદાર જગ્યાઓ સાચવી રાખવા માટે સિનિયર નિવૃત્તોને સતત એક્સ્ટેન્શન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે મહાનગરપાલિકાના વર્તમાન નિયમિત કર્મચારીઓને સમયસર પ્રમોશન મળતું નથી અને ખાલી પડતી જગ્યાઓ પર નવી ભરતી ન થતાં બહારના શિક્ષિત યુવાનો માટે સરકારી સેવામાં પ્રવેશવાના દરવાજા બંધ થઈ રહ્યા છે.

કઈ-કઈ પોસ્ટ પર નિવૃત્તોની પુનઃનિયુક્તિ થઈ?

નિવૃત્ત થયા બાદ પણ જે વિવિધ કેડરમાં કર્મચારીઓને ફરજ પર રખાયા છે તેમાં OSD, આસિસ્ટન્ટ એન્જિનિયર, લેબર ઓફિસર, મેનેજર, હેલ્થ સુપરવાઈઝર, સિનિયર-જુનિયર ક્લાર્ક, સેનેટરી ઈન્સ્પેક્ટર, સ્ટેનોગ્રાફર, ઈલેક્ટ્રિશિયન, હેડ ક્લાર્કથી લઈને પટ્ટાવાળા અને મુકાદમ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે.

કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપો

પ્રદેશ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કેટલાક કિસ્સાઓમાં વર્ષ 2015 માં નિવૃત્ત થયેલા કર્મચારીઓ વર્ષ 2026 સુધી સેવા આપી રહ્યા છે. સરકારી વહીવટમાં મળતિયાઓને ગોઠવવાની આ નીતિ સામે રોષ વ્યક્ત કરતાં કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં નિવૃત્તોની પુનઃનિયુક્તિ બાબતે સત્તાવાર શ્વેતપત્ર જાહેર કરવાની માંગણી કરી છે.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાન યુદ્ધનો 1 મહિનો: ‘ઈરાન હાર્યા વગર જીતે છે અને ટ્રમ્પ જીત્યા વગર હારે છે?’ – જાણો કોનું પલડું ભારે

praxpatel

તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સરકાર: આવતીકાલે મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, જાણો સંપૂર્ણ વિગતો

praxpatel

મહીસાગર: બેફામ સ્પીડે આવતી કારે બે યુવતીઓને હવામાં ફંગોળી, કાળજું કંપાવતા દ્રશ્યો CCTVમાં કેદ

praxpatel