ઘર ખરીદવાનું સપ્ન, બાળકોનું શિક્ષણ અને તબીબી ઈમરજન્સી. આ તમામ વધતા ખર્ચાઓ વચ્ચે દેશનો મધ્યમ વર્ગ ઝડપથી લોન પર નિર્ભર થઈ રહ્યો છે. સરળ લોન અને ક્રેડિટ કાર્ડે સમયસર રાહત આપી છે, પરંતુ હવે આ દેવું અનેક પરિવારો માટે મોટી ચિંતાનું કારણ બની ગયું છે. એક સર્વે મુજબ, મોટી સંખ્યામાં લોકો EMIના બોજ તળે દબાઈ રહ્યા છે.
સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
‘Expert Panel’ના સર્વે અનુસાર દેશમાં મિડલ ક્લાસની નાણાકીય સ્થિતિ ચિંતાજનક છે:
-
60% લોકો: માસિક EMI તેમની કૌટુંબિક આવક જેટલી કે તેથી પણ વધુ થઈ ગઈ છે.
-
40% લોકો: જૂનું દેવું ચૂકવવા માટે નવી લોન અથવા ક્રેડિટ કાર્ડનો સહારો લઈ રહ્યા છે.
-
20% લોકો: લોનની ભરપાઈ ન થઈ શકતાં કાનૂની નોટિસ પણ મેળવી ચૂક્યા છે.
નિષ્ણાતો આ સ્થિતિને ‘ડેબ્ટ ટ્રેપ’ (કર્જના ચક્રવ્યૂહ) તરીકે જોઈ રહ્યા છે.
લોન લેવાના મુખ્ય કારણો કયા છે?
સર્વે દર્શાવે છે કે લોકો માત્ર લાઈફસ્ટાઈલ કે શોખ માટે જ લોન નથી લઈ રહ્યા, પરંતુ આર્થિક મજબૂરી પણ મોટું કારણ છે:
-
મેડિકલ ઈમરજન્સી: 26% લોકોએ સારવાર માટે લોન લીધી.
-
શિક્ષણ અને લગ્ન: 22% લોકોએ બાળકોના ભણતર કે લગ્ન માટે ધિરાણ લીધું.
-
નોકરી કે ધંધામાં નુકસાન: 18% લોકોએ આવક બંધ થતાં લોન લેવી પડી.
-
દૈનિક ખર્ચ: 15% લોકો રોજિંદા ઘરખર્ચ માટે પણ દેવું કરવા મજબૂર બન્યા.
EMI ચૂકવવામાં કેમ પડી રહી છે મુશ્કેલી?
લોન ન ચૂકવી શકવા પાછળ લોકોએ મુખ્ય કારણો રજૂ કર્યા છે. 33% લોકોએ નોકરી જવી કે પગાર ઘટવો તેને જવાબદાર ગણાવ્યો છે. જ્યારે 28% લોકો માટે EMIનો હપ્તો આવક કરતાં ઘણો વધી ગયો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આંકડા મુજબ પણ દેશમાં ઘરો પર દેવું વધી રહ્યું છે અને બચતનો દર ઘટી રહ્યો છે. નાણાકીય સલાહકારોના મતે, ક્ષમતા કરતાં વધુ લોન લેવી ભવિષ્ય માટે મોટું જોખમ બની શકે છે.
